ગુજરાતનેશનલ

‘ગરીબ કલ્યાણ સંમેલન’ અંતર્ગત કાલે PM મોદી શિમલાથી વર્ચ્યુઅલી કરશે સંવાદ

Text To Speech

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ હિમાચલપ્રદેશના શિમલા ખાતેથી કેન્દ્ર સરકારની લોકોપયોગી યોજનાઓના લાભાર્થીઓ સાથે “ગરીબ કલ્યાણ સંમેલન” અંતર્ગત યોજાનાર કાર્યક્રમની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે તા.૩૧ મે ૨૦૨૨ના રોજ PM મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના ૩૨ જિલ્લાઓ તથા તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી યોજાનાર આ કાર્યક્રમમાં પાંચ કેન્દ્રિય મંત્રીશ્રી, રાજ્ય સરકારના તમામ મંત્રી તથા તમામ સંસદ સભ્ય પણ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેતા આ સૌથી મોટા રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ગુજરાતના મહેસાણા જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરશે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો છે.

મંત્રીએ ઉમેર્યુ કે, આ કાર્યક્રમમાં PM મોદી “કિસાન સન્માન નિધિ”નો ૧૧માં હપ્તો ખેડૂત લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરશે. આ યોજના અંતર્ગત આવતી કાલે વડાપ્રધાન રૂ.૨૧ હજાર કરોડ સમગ્ર દેશના અંદાજે ૧૦ કરોડ ખેડુતોના સીધા બેંક ખાતામાં જમા કરશે. જેમા ગુજરાતના ૫૮.૪૦ લાખ ખેડુતોના બેંક ખાતામાં રૂ.૧૧૬૮.૦૮ કરોડ જમા થશે. નોંધનિય છે કે, અત્યાર સુધી આ યોજના અંતર્ગત ખેડુતોના ખાતામાં ૧૦ હપ્તા ચુકવવામાં આવ્યા છે. જે મુજબ ગુજરાતના ખેડુતોના બેંક ખાતામાં રૂ.૧૦,૩૩૪ કરોડ જમા કરવામા આવ્યા છે.

વાઘાણીએ જણાવ્યું કે, દેશની સ્વતંત્રતા તથા શહીદ વીરોની યાદમાં સમગ્ર રાષ્ટ્ર “આઝાદીના અમૃત મહોત્સવની” ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ મહત્વપૂર્ણ પ્રસંગના ભાગરૂપે PM મોદી ભારત સરકારના નવ મંત્રાલયો,વિભાગોને સંલગ્ન અંદાજે ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે આવતીકાલ તા. ૩૧ મે, ૨૦૨૨ના રોજ શિમલા, હિમાચલ પ્રદેશથી સંવાદ કરશે. કરોડો લાભાર્થીઓએ આ વિવિધ યોજનાઓનો લાભ લીધો છે તે પૈકી આ “ગરીબ કલ્યાણ સંમેલન” અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી અનેક લાભાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન સાથે સંવાદમાં જોડાશે.

વાઘાણીએ કહ્યું કે, આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને યોગ્ય સંકલન થકી લાયકાત ધરાવતા છેક છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો છે. એટલું જ નહિ, આ તમામ યોજનાઓ ગરીબ વર્ગને સૌથી વધુ લાભાન્વિત કરતી હોવાથી, આ કાર્યક્રમનું શિર્ષક “ગરીબ કલ્યાણ સંમેલન” રાખવામાં આવ્યું છે.

મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૪૭માં જ્યારે ભારત આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા જઇ રહયુ છે. ત્યારે આ કાર્યક્રમ થકી નાગરિકોની ભારત પ્રત્યેની આકાંક્ષાઓનું મૂલ્યાંકન કરવાની તક પણ પ્રાપ્ત થશે. આ સંમેલન એ તમામ જિલ્લાઓને આવરી લેતો આજ દિન સુધીનો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ છે. જેમાં વડાપ્રધાન શ્રી મોદી લાભાર્થીઓ સાથે આવાસ, પીવાના પાણીની ઉપલબ્ધતા, અન્ન, આરોગ્ય, પોષણ, આજીવિકા સહિતના લાભો અને આ લાભો થકી તેમના જીવનમાં આવેલા પરિવર્તનને આવરી લેતી વ્યાપક યોજનાઓ વિશે સંવાદ કરશે.

મંત્રી વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામિણ અને શહેરી), પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ અને શહેરી), જલજીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રેશનકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત પી.એમ જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેશ સેન્ટર અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના મળીને આ તમામ ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન શ્રી મોદી શિમલાથી વાર્તાલાપ કરશે.

જાણો ક્યા જિલ્લામાં કોની હાજરીમાં યોજાશે કાર્યક્રમઃ મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, આ અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભાગ બનવું એ ગુજરાત રાજ્ય માટે વિશેષ ગૌરવની બાબત છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર મહાત્મા મંદિર ખાતેથી આવતી કાલે તા.૩૧ મે ના રોજ સવારે વર્ચ્યુઅલ જોડાશે. રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને ગાંધીનગર મહાનગર પાલિકા મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો સહિતના અન્ય મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાશે. મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવ મહાત્મા મંદિર ખાતે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. જેમાં અંદાજે ૮હજારથી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. સાથોસાથ સવારે ૯.૪૫ વાગ્યે ૩૨ જિલ્લાથી તથા તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી યોજાનાર આ કાર્યક્રમમાં ૫ કેન્દ્રિય મંત્રી, રાજ્ય સરકારના તમામ મંત્રી, તમામ સંસદ સભ્ય સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેનાર છે. જેમા કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા અમરેલી ખાતે, ડો.મનસુખ માંડવિયા ભાવનગર ખાતે, દર્શનાબેન જરદોશ સુરત ખાતે, ડૉ. મહેન્દ્ર મુંજપરા ભાવનગર ખાતે અને ડૉ. એસ.જયશંકર વડોદરા ખાતે ઉપસ્થિત રહેશે અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.

તે ઉપરાંત જીલ્લા કક્ષાના દરેક કાર્યક્રમમાં ૩ થી ૪ હજાર લાભાર્થીઓ હાજર રહેશે. સવારે ૧૦.૫૦ વાગ્યે રાજ્ય તથા જિલ્લા કક્ષાના કાર્યક્રમનું રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે જોડાણ થશે. રાષ્ટ્રીય સંમેલનમાં વડાપ્રધાનશ્રી લાભાર્થીઓ સાથે શિમલા, હિમાચલ પ્રદેશથી સીધો સંવાદ કરશે. સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી “કિસાન સન્માન નિધિ”નો ૧૧માં હપ્તો ખેડૂત લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરશે.

મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરમા જુદી-જુદી યોજનાઓ સાથે સંકળાયેલા વિવિધ જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરશે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેસાણા જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરશે.

Back to top button