સંસદમાં બનેલી ઘટના ચિંતાજનક, ઉંડાણપૂર્વક તપાસ જરૂરીઃ પીએમ મોદી
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: સંસદ પર થયેલા હુમલાને લઈ વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને ચિંતાજનક ઘટના ગણાવી છે અને તે અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. જો કે, સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે વિપક્ષ તરફથી સતત પીએમ મોદી ગૃહમાં નિવેદન આપે તેવી માંગ કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં પીએમ મોદીનું નિવેદન સામે આવવું મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
શું કહ્યું પીએમ મોદીએ?
અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ગણાવી છે. તેમણે કહ્યું છે કે આ મુદ્દે વાદ-વિવાદ કે પ્રતિકાર કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે. આમ કરવાથી જ મામલો ઉકેલાશે. સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિઓને લઈને વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ભીંસમાં લઈ રહ્યું છે. આ દિવસોમાં શિયાળુ સત્ર પણ ચાલી રહ્યું છે, પરંતુ સુરક્ષામાં ખામીઓને લઈને વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહીને સ્થગિત કરાઈ છે.
હકીકતમાં 13 ડિસેમ્બરે સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર બે લોકો ગૃહમાં ઘૂસી ગયા હતા અને સ્મોક કેનથી હુમલો કર્યો હતો. સ્મોક બોમ્બના કારણે ગૃહમાં પીળો ધુમાડો ચારેબાજુ ફેલાઈ ગયો હતો. જેના કારણે સાંસદોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગૃહમાં અરાજકતા ફેલાવનાર અને આ હુમલામાં સંડોવાયેલા 6 લોકોની અત્યાર સુધી ધરપકડ કરી છે.
આ પણ વાંચો: સંસદ સુરક્ષા ભંગ કેસમાં સંડોવાયેલા આરોપી મહેશની ધરપકડ