ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ જી20 સંસદીય સ્પીકર્સ સમિટને મહાકુંભ ગણાવી

  • પ્રધાનમંત્રીએ 9મી જી20 સંસદીય સ્પીકર્સ સમિટ (પી20)નું ઉદઘાટન કર્યું.
  • આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે મળીને આગળ વધવાનો સમય છે, આ સમય સૌના વિકાસ અને સુખાકારીનો છે, આપણે વૈશ્વિક વિશ્વાસની કટોકટીમાંથી બહાર આવવું પડશે અને માનવ-કેન્દ્રિત વિચારસરણી સાથે આગળ વધવું પડશે: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે 9મી જી20 સંસદીય સ્પીકર્સ સમિટ (પી20)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટનું આયોજન ભારતની જી-20 પ્રેસિડેન્સીના વિસ્તૃત માળખા હેઠળ ભારતની સંસદ દ્વારા કરવામાં આવ્યું છે, જેની થીમ ‘પાર્લામેન્ટ્સ ફોર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ છે.

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતનાં 140 કરોડ નાગરિકો વતી જી-20 સંસદીય સ્પીકર્સ સમિટમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ શિખર સંમેલન દુનિયાભરની તમામ સંસદીય પદ્ધતિઓનો ‘મહાકુંભ’ છે. આજે ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ વિવિધ દેશોમાંથી સંસદીય માળખાનો અનુભવ ધરાવે છે એ વાત પર ભાર મૂકીને મોદીએ આજની ઘટના પર ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ ચૂંટણી પ્રક્રિયાના આધુનિકીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. છેલ્લા 25 વર્ષથી ઇવીએમના ઉપયોગથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા આવી છે, કારણ કે મતગણતરી શરૂ થયાના કલાકોમાં જ ચૂંટણી પરિણામો આવે છે. તેમણે માહિતી આપી હતી કે આવતા વર્ષે સામાન્ય ચૂંટણીમાં 1 અબજ લોકો ભાગ લેશે અને પ્રતિનિધિઓને ચૂંટણી જોવા આમંત્રણ આપ્યું હતું.

 

  • પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે ભારત દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપી રહ્યું છે. આપણી સંસદે તાજેતરમાં લીધેલો નિર્ણય આપણી સંસદીય પરંપરાને વધુ સમૃદ્ધ બનાવશે.”

 

પ્રધાનમંત્રીએ ભારતની સંસદીય પરંપરાઓમાં નાગરિકોનાં અતૂટ વિશ્વાસ પર પ્રકાશ પાડ્યો હતો તથા તેની વિવિધતા અને જીવંતતાનો શ્રેય આપ્યો હતો. વિશ્વની એકબીજા સાથે જોડાયેલી પ્રકૃતિનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંઘર્ષ અને ઘર્ષણથી ભરેલું વિશ્વ કોઈનાં હિતમાં નથી. પ્રધાનમંત્રીએ પી20ના મંચ પર સમગ્ર આફ્રિકાની ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી હતી.

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વના પડકારોનો સામનો કરવા માટે જનભાગીદારીથી શ્રેષ્ઠ માધ્યમ અન્ય કોઈ ન હોઈ શકે. “હું હંમેશાં માનું છું કે સરકારો બહુમતીથી રચાય છે, પરંતુ દેશ સર્વસંમતિથી ચાલે છે. આપણી સંસદો અને આ પી20 ફોરમ પણ આ ભાવનાને મજબૂત કરી શકે છે.” પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચર્ચા અને વિચાર-વિમર્શ દ્વારા આ દુનિયાને સુધારવાના પ્રયાસો ચોક્કસપણે સફળ થશે.

  • આ પ્રસંગે લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલા અને આંતર-સંસદીય સંઘનાં અધ્યક્ષ દુઆર્ટે પાચેકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંંચો: PM મોદી મુંબઈમાં 141માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સત્રનું ઉદઘાટન કરશે

Back to top button