મન કી બાતઃ દિવાળી અને છઠ પર દેશમાં રૂ. 4 લાખ કરોડનો વેપાર થયો: PM મોદી
નવી દિલ્હી, 26 નવેમ્બર: વડાપ્રધાન મોદીએ આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘માં દિવાળી અને છઠ પર દેશમાં 4 લાખ કરોડનો વેપાર થયો છે તેમ જણાવ્યું હતું. 107મા એપિસોડમાં સંબોધન આપતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં બનેલા ઉત્પાદનોને ખરીદવાનો જબરદસ્ત ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો. હવે ઘરનાં બાળકો પણ દુકાન પર કંઇક ખરીદતી વખતે એ જોવા લાગ્યા છે કે તેમાં મેડ ઇન ઇન્ડિયા લખેલું છે કે નથી લખેલું. એટલું જ નહિ, ઓનલાઇન સામાન ખરીદતી વખતે હવે લોકો કન્ટ્રી ઑફ ઓરીજીન જોવાનું નથી ભૂલતા.
India goes ‘Vocal For Local!’ #MannKiBaat pic.twitter.com/vGOPLPudSq
— Narendra Modi (@narendramodi) November 26, 2023
26/11ના હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી
26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું, આજનો દિવસ આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. 26 નવેમ્બરે દેશ પર સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મુંબઇને, સમગ્ર દેશને, ધ્રૂજાવી દીધો હતો. પરંતુ એ ભારતનું સામર્થ્ય છે કે, આપણે એ હુમલાની અસરમાંથી બહાર આવ્યા અને હવે પૂરી હિંમતથી આતંકવાદને કચડી રહ્યા છીએ. મુંબઇ હુમલામાં પોતાનું જીવન ગુમાવનાર બધા લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. આ હુમલામાં આપણા જે વીરો વીરગતિને પ્રાપ્ત થયા, દેશ આજે તેમને યાદ કરી રહ્યો છે.
બંધારણ દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા આપી
પીએમ મોદી મન કી બાતમાં સંવિધાન દિવસ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે તેમણે કહ્યું કે, 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “બંધારણ દિવસ” તરીકે ઉજવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે બંધારણ દિવસના રૂપમાં ઉજવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રનિર્માણમાં જ્યારે બધાનો સાથ હોય છે ત્યારે બધાનો વિકાસ પણ થઇ શકે છે. મને સંતોષ છે કે સંવિધાન નિર્માતાઓની તે દૂરદૃષ્ટિનું પાલન કરતાં, હવે ભારતની સંસદે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને પસાર કર્યો છે. ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આપણા લોકતંત્રની સંકલ્પ શક્તિનું ઉદાહરણ છે. આ વિકસિત ભારતના આપણા સંકલ્પને ગતિ આપવા માટે પણ એટલો જ સહાયક થશે.
લગ્નગાળા પર પાંચ લાખ કરોડનો વેપાર થવાનો અંદાજ
અત્યારે લગ્નગાળો પણ શરૂ થઇ ગયો છે. કેટલાક વેપારી સંગઠનોનું અનુમાન છે કે, આ લગ્નગાળામાં લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનો વેપાર થઇ શકે છે. લગ્ન સાથે જોડાયેલી ખરીદીમાં ભારતમાં બનેલા ઉત્પાદનોની ખરીદી કરો જેથી સ્થાનિકોને ફાયદો થાય. તેમણે વિદેશમાં જઈને લગ્ન કરવાના બદલે દેશમાં જ રહી લગ્ન કરી દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા પર ભાર મૂક્યો.
આ પણ વાંચો: PM મોદીની સુરક્ષામાં ચૂક બદલ પંજાબ સરકારે SP બાદ વધુ 6 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ