આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો અને અંતિમ દિવનો અંત અમદાવાદ મુલાકાત સાથે થયો હતો. અમદાવાદ ખાતે પીએમ મોદીએ રૂ.1275 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને પારખીને તેમને જોઈતી સુવિધા આપે છે.
ડબલ એન્જિન સરકારમાં સુવિધા મળે છે
સીએમ ભૂપેન્દ્ર પટેલે જનસભામાં સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી લોકોને પારખીને તેમને જોઈતી સુવિધા આપે છે. મેડિસિટી માટે નરેન્દ્ર મોદીના આભારી છીએ. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં સ્વદેશી રસીનું નિર્માણ થયું છે. દર્દીઓને નિઃશુલ્ક સારવાર ગુજરાતમાં મળે છે તેવી બીજે ક્યાંય ના મળે. ડબલ એન્જિન સરકારમાં સુવિધા મળે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે આજે વિકાસના કાર્યનું લોકાર્પણ કર્યું હતું. આ માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયાની સૌથી એડવાન્સ મેડિકલ ટેક્નોલોજી, વધુ સુવિધાઓ ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે લોકો ખાનગી હોસ્પિટલોમાં જઈ નથી શકતા તેઓના માટે સરકારી સુવિધાઓ તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે આજે મેડિસિટી કેમ્પસ ભવ્ય સ્વરૂપમાં ઓછા સમયમાં તૈયાર થયું છે. ગુજરાત કેન્સર ઈન્સ્ટીટ્યુટની નવી બિલ્ડિંગની સાથે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધાઓ શરૂ થઈ છે. પીએમ મોદીએ લોકાર્પણ કર્યા બાદ તમામ ગુજરાતીઓને આ ઉપલબ્ધિઓને શુભકામનાઓ પાઠવી હતી આ સાથે જ મુખ્યમંત્રી અને તેમની સરકારની પણ પ્રસંશા કરી હતી.
વડાપ્રધાન મોદીનું સંબોધન
પીએમ મોદીએ કહ્યું હતું કે આજથી 20થી 25 વર્ષ પહેલાં ગુજરાતની વ્યવસ્થાને અનેક બીમારીઓને જકડી રાખી હતી. સારા ઈલાજ માટે લોકોને ભટકવું પડતું હતું, તેમજ વીજળી માટે રાહ જોવી પડતી હતી. પરંતુ આજે ગુજરાત તમામ બીમારીઓને પાછળ છોડીને આગળ ચાલી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હાઈટેક હોસ્પિટલમાં ગુજરાતનું નામ સૌથી ઉપર રહે છે. તેમણે કહ્યું કે આજે આજે ગુજરાતમાં હોસ્પિટલ છે,ડોક્ટર પણ છે અને ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવા અવસર પણ છે. 22 વર્ષ અગાઉ 9 મેડિકલ કોલેજ હતી. ત્યારે સસ્તા અને સારા ઇલાજની આશા ઓછી હતી. તેમણે કહ્યું કે ગુજરાતે જે શીખવાડ્યું એ દિલ્હી ગયા બાદ મને ઘણું કામ લાગ્યું હતું. રાજકોટમાં પહેલી AIMS બની છે. તે દિવસ દૂર નથી, જ્યારે ગુજરાત મેડિકલ, ફાર્મ અને બાયોકેમ રિસર્ચ માટે પ્રખ્યાત થશે.
વધુમાં PMએ જણાવ્યું હતુ કે મુસિબતને હસતા મુખે દૂર કરો. તમારી તમામ તકલીફ સિવિલ હોસ્પિટલમાં દૂર થશે. સિવિલ હોસ્પિટલમાં ગામ વસ્યું હોય તેવું છે. દુનિયાની સૌથી એડવાન્સ મેડિકલ ટેકનોલોજી હવે અમદાવાદમાં છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે વિશેષ ઉપયોગી બનશે. ખાનગી હોસ્પિટલમાં નથી જઈ શકતા તેના માટે આ સુવિધાઓ છે. ત્રણ વર્ષ પહેલા 1200 બેડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. દેશનું પહેલું સેન્ટર છે જ્યાં સાયબર નાઇફ જેવી સુવિધાઓ છે. ગુજરાતની ઉપલબ્ધિઓ ગણાવી મુશ્કેલ છે. તમામ ઉપલબ્ધિઓ માટે ગુજરાતના લોકોને અભિનંદન. સરકારના મુખ્યમંત્રી અને તેમને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. હું ડોકટર નથી પણ ઘણી બીમારી મેં ઠીક કરી છે. સારી સારવાર માટે લોકોને પહેલા ભટકવું પડતું હતું. આજે ગુજરાતે તમામ બિમારીઓને માત આપી છે.