શ્રીનગરઃ વડાપ્રધાન મોદી જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી તેઓ દિવાળીનો તહેવાર સરહદમાં ફરજ બજાવતા જવાનો સાથે જ મનાવે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આ પરંપરા આ વર્ષે પણ યથાવત રાખતા, તેઓ ખુશીઓના પર્વની ઉજવણી માટે કારગીલ પહોંચ્યા છે. અહીં તેઓ જવાનો સાથે દિવાળી મનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે.
વડાપ્રધાન મોદી છેલ્લાં આઠ વર્ષથી જવાનો સાથે દિવાળી ઉજવી રહ્યાં છે
વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે, ત્યારથી તેઓ હંમેશા સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવતા રહ્યા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પોતાની પરંપરા અકબંધ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગીલ પહોંચ્યા છે.
Prime Minister Narendra Modi has landed in Kargil, where he will celebrate #Diwali with soldiers: PMO pic.twitter.com/9M4eqfgEly
— ANI (@ANI) October 24, 2022
વડાપ્રધાન તરીકે મોદીની પહેલી દિવાળી
23 ઓક્ટોબર 2014: મે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. આ પછી, 23 ઓક્ટોબર 2014 ના રોજ, તેમણે PM તરીકે સિયાચીનમાં પ્રથમ દિવાળી ઉજવી હતી.
વડાપ્રધાન મોદીની બીજી દિવાળી
11 નવેમ્બર, 2015: પીએમ મોદીએ પંજાબમાં સૈનિકો સાથે વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત દિવાળીની ઉજવણી કરી. અહીં તેઓ 1965ના યુદ્ધના વોર મેમોરિયલની મુલાકાતે પણ આવ્યા હતા.
ત્રીજી વખત વડાપ્રધાન દિવાળી ઉજવવા ચીન બોર્ડર પહોંચ્યા
30 ઓક્ટોબર 2016: PM મોદી દિવાળીની ઉજવણી કરવા 2016માં હિમાચલના કિન્નૌર પહોંચ્યા હતા. અહીં તેમણે ભારત-ચીન બોર્ડર પાસે જવાનો સાથે PM પદ દરમિયાન ત્રીજી વખત દિવાળીની ઉજવણી કરી હતી.
PM મોદીની ચોથી દિવાળી
18 ઓક્ટોબર 2017: 2017માં પણ પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારબાદ તે જમ્મુ-કાશ્મીરના ગુરેઝ પહોંચ્યા હતા.
વડાપ્રધાન પદે રહીને પાંચમી દિવાળી
7 નવેમ્બર 2018: 2018માં પીએમ મોદીએ ઉત્તરાખંડના હર્ષિલમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
બીજી ટર્મમાં પહેલી દિવાળી ઉજવવા LoC પહોંચ્યા
27 ઓક્ટોબર 2019: PM મોદીએ બીજી ટર્મમાં પણ આ પ્રથા યથાવત રાખી હતી અને વર્ષ 2019માં LoC પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પીએમ મોદી એલઓસી પર તહેનાત જવાનોને મળવા રાજૌરી પહોંચ્યા હતા.
સાતમી દિવાળી વડાપ્રધાને લોંગેવાલા પોસ્ટ પરના જવાનો સાથે ઉજવી
14 નવેમ્બર 2020: પીએમ મોદીએ જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
રાજૌરીમાં PM મોદીની આઠમી દિવાળી
4 નવેમ્બર, 2021: વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દિવાળીની શુભકામના પાઠવી
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળી તેજ અને પ્રકાશનું પર્વ છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં ખુશીઓ લઈને આવે અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારે. હું આશા રાખું છું કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે એક શાનદાર દિવાળી પર્વ મનાવશો.