PM મોદીએ ફીનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો, ઉદ્યોગપતિઓને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા આમંત્રણ
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2024, વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ ફોરમમાં મુકેશ અંબાણી, સંજય મલ્હોત્રા, લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફીનટેક કંપનીઓના ચેરમેન તેમજ સીઈઓએ ભાગ લીધો હતો.વડાપ્રધાન મોદીએ ફિનટેક કંપનીના પ્રમુખો પાસેથી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સીટી બનાવવા માટે તેમજ ભારતને ટોપ ક્લાસ ફિનટેક કન્ટ્રી તરીકે વિકસિત કરવા માટે સૂચનો મેળવ્યા હતા.
ભારતને ફિનટેક સિટી તરીકે વિકસિત કરવાનું વિઝન
વડાપ્રધાને આ ફોરમમાં ભાગ લેવા માટે બે કલાકનો સમય ફાળવ્યો હતો પરંતુ તેઓએ લગભગ ત્રણ કલાક સુધી તમામ ઉદ્યોગપતિઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. આ ફોરમમાં ભાગ લેવા આવેલા કેટલાક ઉદ્યોગપતિ; પ્રથમ વખત જ ગિફ્ટ સિટીની મુલાકાતે આવ્યા હતા પરંતુ ગિફ્ટ સિટીની મુલાકાત બાદ તેઓ ગિફ્ટ સિટીથી ખૂબ પ્રભાવિત થયા હતા અને ગિફ્ટ સિટી ખાતે પોતાનું ઓપરેશન શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ ઉદ્યોગપતિઓના સુચનોનો સારાંશ રજૂ કર્યો હતો તેમજ ભારતને ફિનટેક સિટી તરીકે વિકસિત કરવાના વડાપ્રધાન મોદીના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓને નિમંત્રણ
આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ અર્થતંત્ર સંબંધિત નવીન ઉકેલોની ચર્ચા કરવા માટે નાણા અને ટેક્નોલોજી ક્ષેત્રના ટોપ ઉદ્યોગપતિઓનો આ એક મહાન મેળાવડો છે. ફિનટેક આપણા વિશ્વને કેવી રીતે આકાર આપી રહ્યું છે તે જોવાનું ખરેખર રોમાંચક છે. તેમણે ભારતને ફાઇનાન્સિયલ ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી રાજ્ય બનાવવા માટેના વિઝનને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપ્યું હતું.
ફોરમનું સંચાલન ઉદ્યોગપતિ ઉદય કોટક દ્વારા કરવામાં આવ્યું
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તેમજ ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયાએ પીએમ મોદી તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામનનો ગિફ્ટ સિટીના વિકાસની સતત ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમના આયોજન માટેના હેતુથી ઉદ્યોગપતિઓને માહિતગાર કર્યા હતા. આ ફિનટેક લીડરશીપ ફોરમનું સંચાલન અગ્રણી ઉદ્યોગપતિ ઉદય કોટક દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ટ્રેડ શો : ડૉ. કુબેર ડિંડોર “નોલેજ ઇકોનોમિ અને સ્ટાર્ટઅપ” પેવેલિયનની મુલાકાતે