PM મોદી 7 યુવા ઓનલાઈન ગેમર્સને મળ્યા, ગેમરને પૂછ્યું: ભુજમાં આ રોગ ક્યાંથી આવ્યો?
- વડાપ્રધાન મોદીએ ગેમર્સને ગેમિંગ અને જુગાર વચ્ચેનો તફાવત સમજાવ્યો
- મુલાકાત દરમિયાન PM મોદીએ પણ ઓનલાઈન ગેમ રમીને આનંદ માણ્યો
નવી દિલ્હી, 13 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર કંઈકને કંઈક આઉટ ઓફ બોક્સ કરતાં રહે છે. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથેની રસપ્રદ મુલાકાત બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 7 ઓનલાઈન ગેમર્સને મળ્યા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુવાનો વચ્ચે રસપ્રદ વાતો થઈ છે. એક ગેમર ગુજરાતના ભુજનો રહેવાસી હતો. જેને પીએમ મોદીએ હળવાશથી પૂછ્યું, “ભુજમાં આ રોગ (ઓનલાઈન ગેમ) ક્યાંથી આવ્યો?” તેના પ્રશ્ન પર તમામ યુવા ઓનલાઈન ગેમર્સ હસી પડ્યા. પીએમ મોદીએ તેમને સસ્તા ઇન્ટરનેટની ઉપલબ્ધતા વિશે પણ પૂછ્યું હતું. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઓનલાઈન ગેમ પણ રમીને આનંદ માણ્યો હતો. ગેમિંગ અને જુગાર વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો.
Had a wonderful interaction with youngsters from the gaming community… You would love to watch this! https://t.co/TdfdRWNG8q
— Narendra Modi (@narendramodi) April 13, 2024
હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા યુવાનોમાંથી એક ગેમર ગુજરાતના ભુજનો રહેવાસી હતો. પીએમ મોદીને આ વાતની જેવી ખબર પડી કે, તે ભુજનો છે, તેમણે હળવા સ્વરમાં પૂછ્યું કે, ભુજમાં આ રોગ ક્યાંથી આવ્યો? આના પર યુવા ગેમરે વડાપ્રધાન મોદીને કહ્યું કે, “આ આખા દેશમાં ફેલાયેલો છે.” આ પહેલા પીએમ મોદીએ તમામ ઓનલાઈન ગેમર્સનો પરિચય અને ઓનલાઈન ગેમિંગમાં તેમની રુચિ વિશે પણ જાણકારી મેળવી હતી.
પીએમ મોદીના પ્રશ્નો, ખેલાડીઓના જવાબ
ઓનલાઈન ગેમર્સ સાથેની મીટિંગ દરમિયાન પીએમ મોદીએ પૂછ્યું કે, “તમે લોકોને આ વિશે સ્કૂલ-કોલેજમાંથી ખબર પડી?” આ અંગે ઓનલાઈન ગેમર નમન માથુરે કહ્યું કે, તેણે આ વિશે યુટ્યુબ પરથી જાણ્યું અને કોલેજમાં બધાને આ વિશે જણાવ્યું. તે જ સમયે, ગેમર પાયલે જણાવ્યું કે, જ્યારે તેણીએ ઓનલાઈન ગેમિંગ શરૂ કર્યું ત્યારે અન્ય છોકરીઓ પણ તેને જોઈને ઓનલાઈન ગેમ રમવા લાગી.
માતા-પિતા વિશે પ્રશ્નો
પીએમ મોદીએ પૂછ્યું કે, “જ્યારે માતા-પિતા કહે છે કે આ અમારા બાળકોને બગાડે છે ત્યારે તમને કેવું લાગે છે?” જેના પર યુવા ખેલાડીઓએ કહ્યું કે, તેઓ આ વિશે બધાને એલર્ટ કરવા માંગે છે. આ ઉપરાંત, ઓનલાઈન ગેમર્સે કહ્યું કે, ગેમિંગ માટે માનસિક કુશળતા જરૂરી છે. આ પ્રસંગે પીએમ મોદીએ પર્યાવરણ જેવા મુદ્દાઓ પર પણ વાત કરી હતી અને ગેમિંગ અને જુગાર વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો.
આ પણ જુઓ: સ્ટાર પ્રચારક કોણ હોય છે? ચૂંટણીમાં તેમનું શું મહત્ત્વ છે? જાણો વિગતે