વડાપ્રધાન મોદી બંગાળમાં સંદેશખાલીના પીડિતોની લઇ શકે છે મુલાકાત : ભાજપ નેતા સુવેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળ, 18 ફેબ્રુઆરી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાની મુલાકાત લેશે અને સંદેશખાલીની મહિલાઓને મળશે જેમણે TMC નેતાઓ સામે જાતીય હિંસાનો આરોપ મૂક્યો હતો, રાજ્યના વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ એક મુલાકાતમાં આ વિગતો આપી હતી. ઈન્ડિયા ટુડે ટીવી સાથેની એક વિશેષ મુલાકાતમાં અધિકારીએ કહ્યું કે પીએમ મોદીની મુલાકાતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમની મુલાકાતની તારીખો વડાપ્રધાન કાર્યાલય દ્વારા નક્કી કરવામાં આવશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
કોલકાતા હાઈકોર્ટે મંજૂરી આપ્યા બાદ સુવેન્દુ અધિકારી પણ મંગળવારે સંદેશખાલીની મુલાકાતે જવાના છે. તેમણે કહ્યું કે તેઓ ચારથી પાંચ ધારાસભ્યો સાથે ત્યાં જશે. પોલીસે તેમને ગયા અઠવાડિયે બે વખત અશાંતિગ્રસ્ત ગામમાં જવાથી અટકાવ્યા બાદ તેમણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
બીજેપીના રાજ્ય એકમે સોમવારે સંદેશખાલી મુદ્દે શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે “ગુંડાઓ” હિંદુ મહિલાઓનો “શિકાર” કરી રહ્યા છે અને તેમનું જાતીય શોષણ કરી રહ્યા છે.
દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ દાવો કર્યો હતો કે સ્થાનિક ટીએમસી નેતાઓ દ્વારા જાતીય શોષણનો આરોપ લગાવનાર મહિલાઓના ઘરોને સમાચાર ઇન્ટરવ્યુ આપ્યા પછી લૂંટવામાં આવી રહ્યા છે.