પીએમ મોદી મોરેશિયસ જવા રવાના થયા, નેશનલ ડેમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થશે


નવી દિલ્હી, 11 માર્ચ 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મોરેશિયસ મુલાકાત માટે રવાના થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારથી શરૂ થતી આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી 20 થી વધુ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં ક્ષમતા નિર્માણથી લઈને સમુદાય-આધારિત માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
આ દરમિયાન, પીએમ મોદી તેમના સમકક્ષ નવીનચંદ્ર રામગુલામ સાથે સિવિલ સર્વિસીસ કોલેજ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઇમારતનું બાંધકામ આશરે ૪.૭૫ મિલિયન ડોલરના ખર્ચે પૂર્ણ થયું હતું. આ પ્રોજેક્ટ માટે 2017 માં એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મોદી 20 સામુદાયિક પ્રોજેક્ટ્સ અને વિસ્તાર આરોગ્ય કેન્દ્રોનું ઈ-ઉદઘાટન પણ કરશે, જે લગભગ 7 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ સામુદાયિક પ્રોજેક્ટ્સમાં રમતગમત સંબંધિત માળખાગત સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.
બધા 34 મંત્રીઓ પીએમ મોદીનું સ્વાગત કરશે
મોરેશિયસના નાયબ વિદેશ પ્રધાન હમ્બીરાજન નરસિંહને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસ મુલાકાતથી તેઓ સન્માનિત અનુભવી રહ્યા છે. તેને ‘ખાસ પ્રસંગ’ ગણાવતા તેમણે કહ્યું કે તમામ 34 મંત્રીઓ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેશે. તેમણે કહ્યું કે પીએમ મોદીનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે.
ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં, નરસિંહને 2015 માં વડા પ્રધાન મોદીની મોરેશિયસ મુલાકાતને યાદ કરી અને કહ્યું કે ભારત ઘણા ક્ષેત્રોમાં તેમના દેશ માટે “રોલ મોડેલ” છે. તેમણે કહ્યું, ‘મોદી 10 વર્ષથી વધુ સમય પછી મોરેશિયસ આવી રહ્યા છે.’ તેમની છેલ્લી મુલાકાત 2015 માં હતી.
અહીં ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી સોમવારે મોડી રાત્રે બે દિવસની મુલાકાતે મોરેશિયસ જવા રવાના થયા હતા. તેઓ ૧૨ માર્ચે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાતનો હેતુ “ભારત-મોરિશિયસના સ્થાયી સંબંધોને મજબૂત બનાવવા” છે.
આ પણ વાંચો: ફેબ્રુઆરીમાં સતત 6ઠ્ઠી વખત ભારતીય થર્મલ કોલસાની આયાતમાં ઘટાડો