નેશનલ

અમેરિકા માટે પીએમ નરેન્દ્ર મોદી થયા રવાના; જવાથી પહેલા આપી કેટલીક જાણકારી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદી 21 થી 23 જૂન સુધી અમેરિકાના પ્રવાસ પર હશે, ત્યારબાદ તેઓ ઇજિપ્ત જશે. પીએમ મોદી ની અમેરિકાની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે.

પીએમ મોદીએ અમેરિકા રવાના થતા પહેલા ટ્વીટ કર્યું, “યુએસએ માટે રવાના થઈ રહ્યો છું, જ્યાં હું ન્યૂયોર્ક સિટી અને વોશિંગ્ટન ડીસીમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લઈશ. આ કાર્યક્રમોમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની ઉજવણી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાતચીત, સંયુક્ત સંબોધન, યુએસ કોંગ્રેસનું સત્ર અને ઘણું બધું.”

પીએમ મોદી એ પોતાના ટ્વિટમાં ઉમેર્યું કે, “યુએસએમાં મને બિઝનેસ લીડર્સને મળવાની, ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કરવાની અને જીવનના વિવિધ ક્ષેત્રોના વિચારકોને મળવાની તક પણ મળશે,” .

પીએમ મોદી એ કહ્યું કે ભારત અમેરિકા સાથે વેપાર, ટેક્નોલોજી અને અન્ય ઘણા મુખ્ય ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા માંગે છે.

પીએમ મોદી ના અમેરિકામાં કાર્યક્રમો

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી ની મુલાકાત 21 જૂનની સવારે ન્યૂયોર્કથી શરૂ થશે. અહીં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

આ પછી તેઓ ન્યૂયોર્કમાં કેટલાક મોટા નેતાઓને પણ મળશે. તેઓ 21 જૂને જ વોશિંગ્ટન જવા રવાના થશે અને અહીં એક કાર્યક્રમમાં ભાગ લેશે.

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને જો બાઇડેન 21 જૂને રૂબરૂ મળી શકે છે.

પ્રવાસના બીજા દિવસે એટલે કે 22 જૂને પીએમ નરેન્દ્ર મોદી નું વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવશે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત અને દ્વિપક્ષીય બેઠક કરશે.

આ પછી પીએમ યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. ક્વાત્રાએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પીએમના સન્માનમાં સત્તાવાર રાજ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું છે.

પીએમ નરેન્દ્ર મોદી 23 જૂને પણ વોશિંગ્ટનમાં હશે અને અહીં કેટલાક પસંદગીના સીઈઓને મળશે. આ પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને લંચ માટે મળશે.

આ પણ વાંચો- ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આ શહેરમાં યોજાશે વર્લ્ડ રેકોર્ડ

Back to top button