

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5G ટેસ્ટ બેડ લોંચ કરી દેશને સમર્પિત કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે- “દેશને પોતે નિર્મિત કરેલા 5G ટેસ્ટ બેડ રાષ્ટ્રને સમર્પિત કરવાનો અવસર મળ્યો છે”. આ ટેલિકોમ સેક્ટરમાં ક્રિટિકલ અને આધુનિક ટેક્નોલોજીની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે.
પીએમ મોદીએ કહ્યું કે-“આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ લોકોને IITsને શુભેચ્છાઓ આપુ છું. દેશનું પોતાનું 5G સ્ટાન્ડર્ડ 5Gના રૂપમાં બનાવવામાં આવ્યું છે, તે દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. દેશના ગામડાઓમાં 5G ટેક્નોલોજી લાવવામાં તે મોટી ભૂમિકા ભજવશે.” પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 21મી સદીમાં કનેક્ટિવિટી ભારત દેશની પ્રગતિની ગતિ નક્કી કરશે. તેથી દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે.
પીએમ મોદીએ કહ્યું કે 5જી ટેક્નોલોજી દેશના શાસનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે, જીવન જીવવામાં સરળતા, વ્યવસાય કરવાની સરળતા લાવશે. તેની મદદથી દેશના દરેક ક્ષેત્રમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સમાં વૃદ્ધિને વેગ મળશે. તેનાથી સુવિધા પણ વધશે અને રોજગારીની ઘણી તકો પણ ઉભી થશે.