ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારવાની યોજના શરૂ કરી

  • પીએમ મોદીએ આજે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી
  • દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 25 હજાર કરવામાં આવશે
  • જેથી સામાન્ય લોકોને સસ્તી દવાઓની ઉપલબ્ધી વધારી શકાય

નવી દિલ્હી, 30 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ એક દેશવ્યાપી અભિયાન છે જેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ વધારવાનો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને દેશભરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાની એક યોજના પણ શરૂ કરી હોવાનું જણાવ્યુ હતું, જે સામાન્ય લોકોને સસ્તી દવાઓ પૂરી પાડશે.

પીએમ મોદીએ આજે ​​વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકો સાથે જોડાયા હતા. તેમણે આજે ​​ઘણી યોજનાઓ પણ શરૂ કરી હતી, જે ખાસ કરીને મહિલા ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે. આ ઉપરાંત પીએમ મોદીએ પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું, જે મહિલા ખેડૂતોને કૃષિ હેતુઓ માટે ડ્રોન પ્રદાન કરીને સશક્તિકરણ કરવામાં મદદ કરશે.

પીએમ મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતી વખતે લોકો સુધી પહોંચવા અને તેમને સરકારી યોજનાઓના લાભો વિશે જણાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. 2 ઑક્ટોબરે શરૂ કરાયેલ આ અભિયાને 1.5 લાખથી વધુ ગામડાઓને સફળતાપૂર્વક આવરી લીધા છે અને અંદાજિત 15 કરોડ લોકોને ફાયદો થયો છે.

જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 25,000 કરવાની યોજના

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ અભિયાનના કારણે સમગ્ર દેશમાં માત્ર સકારાત્મક વાતાવરણ સર્જાયું છે અને તેનાથી લોકોમાં વિશ્વાસ પણ ઉત્પન્ન થયો છે. તમને જણાવી દઈએ કે માર્ચ 2024 સુધીમાં દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 25 હજાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ડ્રોનથી મહિલાઓનું કામ સરળ બનશે

પીએમ મોદીએ મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય મહિલા ખેડૂતોને પાકની દેખરેખ, જંતુ નિયંત્રણ, માટી પરીક્ષણ અને સિંચાઈ જેવી પ્રવૃત્તિઓ માટે ડ્રોનથી સજ્જ કરીને સશક્તિકરણ કરવાનો છે. આ યોજના મહિલા ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં વધારો કરશે તેમજ તેમને આત્મનિર્ભર પણ બનાવશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને જન ઔષધિ કેન્દ્રોના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમના અભિપ્રાય પણ લીધા હતા. તેમણે જાગરૂકતા વધારવા અને અન્ય લોકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પ્રેરિત કરવાના તેમના પ્રયાસો ચાલુ રાખવા અપીલ કરી હતી.

આ પણ વાંચો, એક વર્ષથી માતાના મૃતદેહ સાથે રહેતી હતી દીકરીઓ, આ રીતે ખુલ્યુ રહસ્ય

Back to top button