અમદાવાદ, 13 માર્ચ 2024, આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. કેન્દ્રીય કેબિનેટે 29 ફેબ્રુઆરી ચિપ પ્લાન્ટ માટે ત્રણ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ ત્રણેય પ્લાન્ટને ‘ડેવલોપમેન્ટ ઓફ સેમિકન્ડક્ટર્સ એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઇન ઇન્ડિયા’ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. ત્રણ પ્લાન્ટમાંથી બે ગુજરાતમાં અને એક આસામમાં બનાવવામાં આવશે. આ ત્રણ ચિપ પ્લાન્ટની અંદાજિત કિંમત 1.26 લાખ કરોડ રૂપિયા છે.
હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સપ્લાય ચેઈનની મજબૂતી માટે કામ કરે છે. 21મી સદી ટેકનોલોજીની સદી છે. મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભર બનાવશે. હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. ઔદ્યોગિક ક્રાંતિ સમયે ભારત અનેક કારણોસર પાછળ હતું. અમે 2 વર્ષ પહેલા સેમિકન્ડક્ટરનું મિશન શરૂ કર્યું હતું. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટાટાનું સંયુક્ત સાહસ દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. ધોલેરામાં માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ અહીં ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવામાં આવશે. અમેરિકન ચિપ કંપની માઈક્રોન ધોલેરામાં રૂ. 22,516 કરોડના ખર્ચે ચિપ એસેમ્બલી પ્લાન્ટ બનાવી રહી છે.
દર મહિને 50 હજાર વેફર બનાવવાની ક્ષમતા
ટાટા ગ્રુપ સંયુક્ત સાહસમાં બે પ્લાન્ટ બનાવશે. એક ગુજરાતમાં અને એક આસામમાં. સીજી પાવર પણ સંયુક્ત સાહસમાં ગુજરાતમાં પ્લાન્ટ બનાવશે. ત્રણેય પ્લાન્ટનું કામ 100 દિવસમાં શરૂ થઈ જશે.ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) વચ્ચેનું સંયુક્ત સાહસ 91,000 કરોડના રોકાણ સાથે ગુજરાતના ધોલેરામાં ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. PSMC તાઈવાનમાં 6 ચિપ ફાઉન્ડ્રી ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ બનશે ત્યારે તેની દર મહિને 50 હજાર વેફર બનાવવાની ક્ષમતા હશે. આ PSMCનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ પણ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં AMC દ્વારા 22 પ્લોટનું ઈ-ઓક્શન કરાશે, જાણો કયા કેટલી કિંમત નક્કી કરાઈ