ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઈઝરાયેલમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: નેતન્યાહુએ પ્રોટોકોલ તોડી ‘મિત્ર’ને ગળે લગાડ્યા, 9 વર્ષ પછી ઐતિહાસિક મુલાકાત

નવી દિલ્હીઃ 25 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે ઇઝરાયેલ પહોંચી ગયા છે. તેલ અવીવ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારા નેતન્યાહુએ પીએમ મોદીનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પ્રોટોકોલ તોડીને મિત્રતા નિભાવી

એરપોર્ટ પર એક ખાસ નજારો જોવા મળ્યો હતો, જ્યાં પીએમ નેતન્યાહુ પ્રોટોકોલ તોડીને પોતાના ‘મિત્ર મોદી’ને ગળે મળ્યા હતા. પીએમ મોદીને અહીં ‘ગાર્ડ ઓફ ઓનર’ પણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2017 પછી, એટલે કે 9 વર્ષના લાંબા અંતરાલ બાદ પીએમ મોદીની આ બીજી ઇઝરાયેલ યાત્રા છે.

પીએમ મોદીએ ‘X’ પર વ્યક્ત કરી ખુશી

ઈઝરાયેલ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ઇઝરાયેલ પહોંચી ગયો છું… એરપોર્ટ પર વડાપ્રધાન નેતન્યાહુ અને શ્રીમતી નેતન્યાહુ દ્વારા કરવામાં આવેલા સ્વાગતથી હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. મને આશા છે કે દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા ભારત અને ઇઝરાયેલની મિત્રતા વધુ મજબૂત બનશે અને સાર્થક પરિણામો આવશે.”

સામે પક્ષે નેતન્યાહુએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, “વડાપ્રધાન મોદી, ઇઝરાયેલમાં આપનું સ્વાગત કરવું એ અમારા માટે મોટા સન્માનની વાત છે.”

મુલાકાતનું મહત્વ અને કાર્યક્રમ

પીએમ મોદી બુધવારે (25 ફેબ્રુઆરી) સવારે ભારતથી રવાના થયા હતા અને ભારતીય સમય અનુસાર સાંજે આશરે 4:30 વાગ્યે તેલ અવીવ પહોંચ્યા હતા.

  • આવતીકાલનો પ્લાન: 26 ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે ડેલિગેશન લેવલની બેઠક યોજાશે.
  • મુલાકાત: પીએમ મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે પણ મુલાકાત કરશે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ગાઝાના સંઘર્ષ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વની નજર અત્યારે આ બે દિગ્ગજ નેતાઓની મુલાકાત પર ટકેલી છે.

Back to top button