ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

PM મોદીએ ઓલિમ્પિકથી પરત ફરેલા ખેલાડીઓ સાથે કરી વાતચીત, કહ્યું: દેશનો ઝંડો ઊંચો લહેરાવીને આવ્યા

  • પેરિસ ઓલિમ્પિકમાં ભારતે એક સિલ્વર સાથે પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા 

નવી દિલ્હી, 16 ઓગસ્ટ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે એક સિલ્વર સાથે પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કુલ 117 ભારતીય એથ્લિટસ પેરિસ ઓલિમ્પિકમાં ગયા હતા, તેઓ દેશમાં પરત ફર્યા બાદ 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળ્યા હતા અને તેમના અનુભવો વિશે જાણ્યું હતું. PM મોદીએ ખેલાડીઓને કહ્યું કે, તમે દેશનો ઝંડો ઊંચો લહેરાવીને આવ્યા છો અને આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે પાછળ રહી ગયા છીએ, પરંતુ આપણે ઘણું શીખીને પાછા આવ્યા છીએ તેમ વિચારવું જોઈએ.

 

તમે મેદાન પર શું કર્યું તે આખી દુનિયાએ જોયું, પરંતુ તે સિવાય તમે શું કર્યું?

એથ્લિટસ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ તેમને પૂછ્યું કે, “તમે મેદાન પર શું કર્યું તે આખી દુનિયાએ જોયું, પરંતુ તે સિવાય તમે શું કર્યું?” આ અંગે પેરિસ ઓલિમ્પિકમાં પોતાની રમતથી બધાને પ્રભાવિત કરનાર સ્ટાર યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કહ્યું કે, મારી ટૂર્નામેન્ટ ઘણી લાંબી હતી અને મારું મોટાભાગનું ધ્યાન મારી મેચો પર હતું. જ્યારે પણ અમને સમય મળતો ત્યારે અમે બધા સાથે ડિનર પર જતા હતા અને અમે ત્યાં ઘણા ખેલાડીઓને પણ મળ્યા હતા અને અમે તેમની પાસેથી ઘણું શીખ્યા જે અમારા માટે મોટી વાત છે. ત્યાંના વાતાવરણમાંથી મને ઘણું શીખવા મળ્યું કારણ કે આ મારી પ્રથમ ઓલિમ્પિક પણ હતી.

 

PR શ્રીજેશને તેના નિવૃત્તિ લેવાના નિર્ણય પર પૂછ્યો પ્રશ્ન

ભારતીય હોકી ટીમના અનુભવી ગોલકીપર PR શ્રીજેશે પણ પેરિસ ઓલિમ્પિકના અંત સાથે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. જ્યારે પીએમ મોદીએ તેમને નિવૃત્તિના નિર્ણય વિશે પૂછ્યું તો શ્રીજેશે કહ્યું કે, હું છેલ્લા કેટલાક સમયથી તેના વિશે વિચારી રહ્યો હતો. મને એવું લાગ્યું કે હું 2002માં પહેલીવાર કેમ્પમાં ગયો હતો અને અત્યાર સુધી રમી રહ્યો છું. આવી સ્થિતિમાં, મેં આ 20 વર્ષની સફરને સારી રીતે સમાપ્ત કરવાનું આયોજન કર્યું હતું અને તેથી જ મેં હવે નિવૃત્તિ લઈ લીધી છે. સેમિફાઇનલમાં હાર્યા બાદ અમે બધા નિરાશ થઈ ગયા હતા પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને પણ ખુશ છીએ.

પીએમ મોદીએ વિનેશ વિશે શું વાત કહી?

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, “વિનેશ ફોગાટ કુસ્તી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની છે, જે આપણા માટે ગર્વની વાત છે. વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો.” આપણા શૂટર્સ શૂટિંગ ઈવેન્ટ્સમાં ફાઇનલમાં પહોંચ્યા હતા. આ સાથે જ PM મોદીએ યુવા કુસ્તીબાજ અમન સેહરાવતના પણ વખાણ કર્યા અને કહ્યું કે, અંગત જીવનની મુશ્કેલીઓ વચ્ચે પણ વ્યક્તિ પોતાનું સપનું સાકાર કરી શકે છે અને મુશ્કેલીઓ પોતાની જગ્યાએ રહે છે.

આ પણ જૂઓ: યોગી આદિત્યનાથે બનાવ્યો નવો રેકોર્ડ, અખિલેશ-મુલાયમ અને માયાવતીને છોડી દીધા પાછળ

Back to top button