PM મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું
અયોધ્યા, 30 ડિસેમ્બર 2023, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન મોદી આજે અયોધ્યા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે આઠ કિ.મી લાંબો રોડ શો કર્યો હતો. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીએ અયોધ્યામાં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું અને 6 અમૃત ભારત અને 2 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યાર બાદ તેમણે ટ્રેનમાં લોકો સાથે સંવાદ પણ કર્યો હતો. વડાપ્રધાને અયોધ્યામાં દલિત સમુદાયના દલિત ધનીરામ માંઝીના ઘરે પણ પહોંચ્યા હતા. તેમણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે તેમને આમંત્રણ પણ આપ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન એરપોર્ટ પહોંચ્યા હતાં અને ત્યાં એરપોર્ટમાં વિવિધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. ત્યાર બાદ PM મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું.જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હતા.
વડાપ્રધાન ધનીરામ માઝીના ઘરે પહોંચ્યા
વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં દલિત સમુદાયને પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.તેમણે દલિત પરિવાર સાથે જોડાયેલા ધનીરામ માંઝીના ઘરે જઈને તેમને 22 જાન્યુઆરીએ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય પણ હાજર રહ્યાં હતાં. રામ મંદિરના પરિસરમાં ભગવાન નિષાદ રાજનું મંદિર બનાવવાની પણ યોજના છે.
પીએમ મોદીને રેલ્વે સ્ટેશનનું મોડેલ બતાવ્યું
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક પણ અહીં હાજર છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી વૈષ્ણવે પીએમ મોદીને રેલ્વે સ્ટેશનનું મોડેલ બતાવ્યું અને ત્યાંની સુવિધાઓ વિશે માહિતી આપી. પીએમએ સ્ટેશન પરિશ્રમ લગાવેલા ભીંતચિત્રો પણ જોયા હતાં.વડાપ્રધાને 6 અમૃત ભારત અને 2 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમણે સ્ટેશન પર અમૃત ભારત ટ્રેનમાં લોકો સાથે વાતચીત કરી હતી.
આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન
અયોધ્યામાં આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પહેલા અયોધ્યા જંકશનથી ઓળખાતા રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. અયોધ્યા રેલ્વે સ્ટેશનને જોઈને તમને એક ભવ્ય મંદિર જેવો અનુભવ થશે. રામ મંદિર અહીંથી લગભગ એક કિલોમીટર દૂર છે. આ સ્ટેશનની ક્ષમતા અંદાજે 50 હજાર મુસાફરોની છે. અંદાજે 241 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનમાં ઘણી સુવિધાઓ છે, પરંતુ અહીં કેટલીક સુવિધાઓ એવી છે જે સામાન્ય રીતે એરપોર્ટ પર પણ જોવા મળતી નથી. આ યાદીમાં મુખ્ય છે ઈન્ફન્ટ કેર રૂમ, સિક રૂમ, પેસેન્જર ફેસિલિટી ડેસ્ક, ટૂરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, જે સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. સમગ્ર સંકુલ G+2 મોડલ પર બનેલ છે. આ સિવાય ક્લોક રૂમ, ફૂડ પ્લાઝા, વેઇટિંગ હોલ્સ, સ્ટેયરકેસ, એસ્કેલેટર, લિફ્ટ અને ટોયલેટ જેવી સુવિધાઓ છે.
બપોરે જંગી જાહેરસભા યોજશે
પીએમ મોદી 12.30 વાગ્યે રેલવે સ્ટેશનથી એરપોર્ટ પરત ફરશે. અહીં એરપોર્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ બપોરે 1 વાગ્યે નજીકના મેદાનમાં જનસભાને સંબોધશે. જાહેર સભામાં જ તેઓ એરપોર્ટ સહિત 1600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં મુખ્યત્વે રામ પથ, ભક્તિ પથ, ધર્મ પથ, NH-27 બાયપાસથી રામ જન્મભૂમિ હાઇવે અને મોટી બુઆ રેલ્વે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન સામેલ છે. પીએમ મોદી બપોરે 2 વાગે પરત ફરશે.
આ પણ વાંચોઃ ત્રેતાયુગની જેમ સજાવાઈ રહી છે અયોધ્યાઃ જાણો જુની મૂર્તિનું શું કરાશે?