PM મોદીએ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કર્યું, મોઝામ્બિક પ્રેસિડેન્ટ સાથે વિવિધ સ્ટોલની મુલાકાત કરી
ગાંધીનગર, 9 જાન્યુઆરી 2024, ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના વડા, મોટી કંપનીઓના સીઇઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. આજે બપોર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું હતું. ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગાંધીનગરમાં 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ ટ્રેડ શો યોજાયો છે. મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર ટ્રેડ શો યોજાઇ રહ્યો છે. જ્યારે મોદી ટ્રેડ શોની મુલાકાત લેવા અંદર જઈ રહ્યા હતા ત્યારે અને બહાર આવ્યા ત્યારે જય શ્રીરામના નારા લાગ્યા હતા. મોઝામ્બિકના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન મોદીએ સાથે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલોની મુલાકાત કરી હતી.
એર કનેક્ટિવિટી વધારવા પર પણ ચર્ચા કરી હતી
વડાપ્રધાન મોદી અને મોઝામ્બિક પ્રેસિડેન્ટ ફિલિપ જેસિન્ટો ન્યુસીએ આજે ગાંધીનગરમાં બેઠક કરી હતી. બાદમાં પીએમઓએ આ બેઠકને લઈને ટ્વીટ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત-મોઝામ્બિક સંબંધોમાં વધારો! ફિલિપ જેસિન્ટો ન્યુસીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, સંરક્ષણ, આતંકવાદ વિરોધી, ઊર્જા, આરોગ્ય, વેપાર, રોકાણ, કૃષિ, જળ સુરક્ષા, ખાણકામ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. મોઝામ્બિકના પ્રેસિડેન્ટે વ્યાપાર અને લોકો વચ્ચેના સંબંધો માટે એર કનેક્ટિવિટી વધારવા પર પણ ચર્ચા કરી હતી.
ટ્રેડ શોમાં પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે
ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 20 દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરાશે. વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓ રજૂ કરશે. આ ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ જાપાનના વાઇસ મિનિસ્ટર સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જાપાનમાં ભૂકંપ અંગે સંવેદના વ્યક્ત કરી