રાજકોટમાં PMનો હુંકારઃ “દેશવાસીઓને માથુ ઝૂકાવવું પડે તેવી નથી કરી એકેય ભૂલ”
પ્રધાનમંત્રી મોદીએ રાજકોટના આટકોટમાં કે.ડી. પરવાડિયા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે સૌરાષ્ટ્રની ધરતી પરથી હુંકાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, “આઠ વર્ષ પહેલા આપ સૌએ મને વિદાય આપી હતી, પરંતુ તમારો પ્રેમ વધતો જ જાય છે. આઠ વર્ષમાં ભૂલથી પણ એવું કંઈ થવા દીધું છે કે ના એવું કંઈ કર્યું છે કે જેના કારણે દેશના કોઈ નાગરિકને પોતાનું મસ્તક નમાવવું પડે. આઠ વર્ષમાં સરકારે સુશાસન, ગરીબોના કલ્યાણને સર્વોચ્ચ પ્રામાણિકતા આપી છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ મંત્ર પર ચાલી દેશના વિકાસને નવી ગતિ આપી છે. કોરોનાકાળ દરમિયાન 100 વર્ષના સૌથી સંકટભર્યા સમયમાં ગરીબોને ખાવાપીવાની સમસ્યા ના થાય તે માટે સરકારે અન્નના ભંડાર ખોલી દીધા, જનધન ખાતા, ખેડૂતો અને મજૂરોના બેંક અકાઉન્ટમાં સીધા પૈસા જમા કરાવાયા, ગરીબોને વિના મૂલ્યે રાંધણ ગેસ પણ પૂરો પાડવામાં આવ્યો.”
ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી-PM
આટકોટમાં હોસ્પિટલ બનાવવા અંગે પટેલ સેવા સમાજની સરાહના કરતા પીએમે કહ્યું હતું કે, “સમાજના અગ્રણીઓએ સમર્પિત ભાવથી આ જે મોટું કાર્ય કર્યું છે તે બદલ સૌ કોઈ ટ્રસ્ટી અભિનંદનના અધિકારી છે, અને આમાંથી પ્રેરણા લઈ લોકો સમાજ માટે કંઈકને કંઈક કરવાની ઈચ્છા રાખશે. પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે હોસ્પિટલનું તેમણે ઉદ્ઘાટન તો કર્યું છે, પરંતુ આપણે સમાજમાં એવી સ્વસ્થતા બનાવીએ તે જેનાથી આ હોસ્પિટલ ખાલીની ખાલી જ રહે. જો કોઈને આવવું જ પડે, તો પહેલા કરતા પણ વધારે સાજો થઈ તે વ્યક્તિ ઘરે જાય તેવું કામ આ હોસ્પિટલ કરશે. ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી છે, અને જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે તે બદલ હાલની સરકાર અભિનંદનને પાત્ર છે, તેમજ તેનો લાભ ગુજરાતના ખૂણે-ખૂણે સામાન્ય વ્યક્તિને મળશે.”
પીએમે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતને જે એઈમ્સ મળી છે તેનું કામ રાજકોટમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બની રહ્યું છે. 2001 પહેલા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કોલેજ, અને માંડ 1100 બેઠકો હતી જ્યારે આજે સરકારી અને પ્રાઈવેટ મળીને 30 મેડિકલ કોલેજ એકલા ગુજરાતમાં છે, એટલું જ નહીં ગુજરાતમાં અને દેશમાં પણ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની સરકારની યોજના છે. આજે ગુજરાતમાં આઠ હજાર મેડિકલ સીટ છે.
MSME ગુજરાતની તાકાત-PM
ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા પ્રોજેક્ટ છેલ્લા આઠ વર્ષમાં પૂર ઝડપથી પૂરા થયા હોવાનો દાવો કરતા પીએમે કહ્યું હતું કે, 2014 પહેલા ગુજરાતના અનેક પ્રોજેક્ટને ત્યારની કેન્દ્ર સરકારે અટકાવી રાખ્યા હતા. હવે સૌની યોજના મારફતે નર્મદાના પાણી કચ્છ અને કાઠિયાવાડ સુધી પહોંચી ગયા છે, દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ પણ ગુજરાતમાં છે. અભૂતપૂર્વ ઝડપથી ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આગળ ધપી રહ્યું છે, જેનો લાભ બધા ક્ષેત્રને મળ્યો છે. એક સમયે માત્ર વલસાડથી વાપીના પટ્ટામાં ઉદ્યોગો હતા, જ્યારે આજે ગુજરાતના ખૂણે-ખૂણે નાના-મોટા ઉદ્યોગો ધમધમે છે તેમજ MSME ગુજરાતની તાકાત તરીકે ઉભર્યા છે.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “હાલ ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં પણ દેશના ગરીબ, મધ્યમ વર્ગને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે સરકારે સુનિશ્ચિત કર્યું છે. જે વ્યક્તિ જે સેવા મેળવવાનો હક્કદાર છે, તેને તેનો હક્ક મળવો જોઈએ. દરેક નાગરિક સુધી સુવિધા પહોંચાડવાનો લક્ષ્ય હોય ત્યારે ભેદભાવ તેમજ ભ્રષ્ટાચારને કોઈ અવકાશ નથી રહેતો. માટે જ, સરકાર મૂળભૂત જરુરિયાત સાથે જોડાયેલી યોજનાઓને તમામ લાભાર્થી સુધી પહોંચાડવા સરકાર કામ કરી રહી છે. જેનાથી દેશના ગરીબ, મધ્યમ વર્ગ સશક્ત બનશે તેમજ તેમનું જીવન આસાન બનશે.”