ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભઃ પીએમએ આપી લીલીઝંડી, મુસાફરીનો માણ્યો આનંદ
ગાંધીનગર – 16 સપ્ટેમ્બર : આખરે એ દિવસ આવી જ ગયો જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. પીએમ મોદીએ આજે અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો છે. હવે માત્ર ₹35માં અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે. વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનમાં જાતે જ ટિકિટ લઈને ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધીની મુસાફરી કરી છે. આ દરમિયાન તેઓ અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીની સાથે મેટ્રોની આ સફર દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.
#WATCH | Ahmedabad: Prime Minister Narendra Modi along with Gujarat Governor Acharya Devvrat and Chief Minister Bhupendra Patel takes a metro ride from Section 1 Metro Station to GIFT City Metro station after inaugurating the Ahmedabad Metro Rail Project. pic.twitter.com/7yQLJdK9eW
— ANI (@ANI) September 16, 2024
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-IIનું ઉદ્ઘાટન કર્યું અને ઉર્જાવાન યુવાનો સાથે આજના કાર્યક્રમ માટે રવાના થયો.”
મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી સાંજે 6:35 જ્યારે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં કુલ 8 સ્ટેશન આવશે. GNLU, રાયસણ, રાંદેસર, ધોળકુવા સર્કલ, ઇન્ફોસીટી, સેક્ટર 1, PDPU અને ગિફ્ટ સીટીનો સમાવેશ થાય છે.
અમદાવાદથી ગાંધીનગર વચ્ચે શરૂ થનારી આ મેટ્રો રેલ સેવાથી હવે 33 કિલોમીટરનું અંતર માત્ર 65 મિનિટમાં કપાઈ જશે. અમદાવાદ વાસણા APMCથી ગાંધીનગર સેક્ટર -1 સુધી માત્ર 35 રૂપિયામાં પહોંચી જવાશે. વડાપ્રધાન મોદીએ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કરાવી શરૂઆત કરી દીધી છે. જેના લીધે અમદાવાદથી ગાંધીનગર ખાતે અપડાઉન કરતાં વિદ્યાર્થી, સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતા હજારો લોકોનો સમય બચશે. આ ઉપરાંત ગુજરાત બહારથી ગિફ્ટ સિટીની મુલાકાતે આવતાં લોકો અને વિદેશી મહેમાનોને અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી પહોંચવામાં સરળતા રહેશે.
આ પણ વાંચો…ગાંધીનગરમાં પીએમ મોદીનો નવો સંકલ્પ, અયોધ્યાને બનાવશે ‘મોડલ સોલર સિટી’