Pm Modi એ આપ્યા ડ્રોન : ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદી બની આત્મનિર્ભર
- ” નમો ડ્રોન દીદી યોજના” અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ સરદારકૃષિનગર દાંતીવાડા ખાતે યોજાયો
પાલનપુર 11 માર્ચ 2024 : આજ રોજ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી “નમો ડ્રોન દીદી યોજના” અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા તથા કૃષિક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીનો વ્યાપ વધારવા માટેના આ કાર્યક્રમમાં ગુજરાત GNFC,PPL,IFFCO,GSFC તથા મહારાષ્ટ્ર IFFCO,RCF ની કુલ 106 ડ્રોન દીદીઓને મહાનુભાવોના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમમાં 106 “ડ્રોન દીદી” એ યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને તથા ડ્રોન મારફત જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે સ્વ-સહાયતા જૂથોની બહેનોને 1000 ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો આ ઐતિહાસિક કાર્યક્રમ છે. આજે દેશમાં 1 કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને આવતા સમયમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. કોઈ પણ દેશ કે સમાજ એ નારીશક્તિ થકી જ આગળ વધી શકે છે. જો મહિલાઓને સહારો આપવામાં આવે તો આ જ મહિલાઓ અનેકનો સહારો બની શકે છે. બેટી બચાવો યોજના, ગર્ભવતી મહિલા પોષણ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા યોજના, આયુષ્યમાન યોજના, જન ઔષધિ કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ સરકારે બનાવી તથા તેનું અમલીકરણ કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું છે.
આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે ત્રણ કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સાથે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશકિતકરણ માટે ખૂબ મોટું કામ કર્યું છે. આધુનિક ટેકનોલોજીયુક્ત ડ્રોનની મદદથી ડ્રોન દીદી – દિકરીઓ ખેડૂતોને કૃષિક્ષેત્રે ખૂબ મદદરૂપ થશે. ડ્રોન ટેકનોલોજીએ ભારતના કૃષિક્ષેત્રે એક નવી દિશા આપી છે. ભારત સરકાર ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે ખૂબ સારી રીતે કામ કરી રહી છે. સાંસદ એ પાણીનો બચાવ કરવા, વિવિધ પદ્ધતિથી ખેતી કરવા તથા પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા ખેડૂતોને હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં એડી. ચીફ સેક્રેટરી-મુખ્યમંત્રી કાર્યાલય અને GNFC ના એમડી પંકજ જોષીએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાનએ વિવિધ મહિલા ઉત્કર્ષની યોજનાઓ થકી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નમો ડ્રોન દીદી યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓને કૃષિ હેતુઓ માટે ડ્રોન પાઇલટ બનવાની તાલીમ આપીને સશક્ત કરવાનો અને સ્વ-સહાય જૂથોની મહિલાઓને કૃષિ ડ્રોનથી સજ્જ કરવાનો છે. આ ડ્રોનથી કૃષિક્ષેત્રે પાણીમાં દ્રાવ્ય ખાતરો અને જંતુનાશકોના છંટકાવ થકી ખેડૂતોની શારીરિક પરિશ્રમ અને મુશ્કેલીઓ નિવારવામાં મદદરૂપ થશે. GNFC વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સંસ્થા તેના સ્થાપના કાળથી ખેડૂતોને તેમના કૃષિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે અને ખેડૂતોના વિકાસ માટે કામ કરી રહી છે.
“નમો ડ્રોન દીદી યોજના” કાર્યક્રમમાં મીઠી વાવડી, પાટણના ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું મારા ખેતરમાં વાવવામાં આવેલા વિવિધ પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરીને ખૂબ સારો પાક લઈ શકીશ. માન. પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતાં ડિમ્પલબેને જણાવ્યું કે અમારા જેવી બહેનો કે જેઓ ઘરની બહાર નહોતી આવી શકતી તેવી બહેનોને વડાપ્રધાનએ હાથમાં રિમોટ આપ્યું છે, જેના થકી અમે આકાશમાં ઉડાન ભરી શકી છીએ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવિણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, ભારત સરકારના અનિલકુમાર ફૂલવારી, દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ આર.એમ.ચૌહાણ, જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વિવિધ ફર્ટિલાઇઝર કંપનીઓના અધિકારીઓ, ડ્રોન ટેકનીશીયન, સર્વે ડ્રોન દીદી, યુનિવર્સિટીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદીઓ માણશે વોટરપાર્કની મજા, જાણો કેટલી છે રાઈડ્સ અને કેટલો થશે ખર્ચ