અમદાવાદઃ ભારત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023″નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 15મી નવેમ્બર – જન જાતિય ગૌરવ દિવસના રોજથી આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદીએ ગઇકાલે ગુરુવારે રાજ્યની 143 ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ
વિવિધ જિલ્લાની આ તમામ ગ્રામ પંચાયતો ખાતે “મોદીની ગેરંટી” સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાને સરકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચાડી સેચ્યુરેશન લેવલ પર લાવવા પર ભાર મૂક્યો હતો. લાભાર્થીઓ સાથેનાં સીધા સંવાદ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની તરભ ગ્રામ પંચાયત ખાતે વિશાળ જન સમુદાય વચ્ચે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.
ઉજ્જવલા યોજના હેઠળ 2663 નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
વિકસિત ભારત સંકલ્પ યાત્રા 30મી નવેમ્બરના દિવસે 144 ગ્રામ પંચાયત સુધી પહોંચી અનેક લાભાર્થીઓ સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક જ દિવસે 69434 જેટલી જન ભાગીદારી નોંધાઈ છે અને 67661 નાગરિકોએ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. વધુમાં, હેલ્થ કેમ્પમાં 26913 લોકોએ આરોગ્યની ચકાસણી, 13752 લોકોએ TBની ચકાસણી અને 3932 લોકોએ સિકલસેલની પણ ચકાસણી કરાવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ 2663 નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
1132 જેટલા એવોર્ડ પણ નાગરિકોને એનાયત કરવામાં આવ્યા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કૃષિ પ્રોગ્રામ હેઠળ 91 ડ્રોન ડેમોનસ્ટ્રેશન અને 362 સોઈલ હેલ્થ કાર્ડ ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આ સાથે જ વિવિધ પ્રકારનાં 1132 જેટલા એવોર્ડ પણ નાગરિકોને એનાયત કરવામાં આવ્યા છે.આ યાત્રા દરમિયાન કેટલાક ગામોમાં વિવિધ યોજના હેઠળ 100 ટકા એટલે કે, સેચ્યુરેશન પોઇન્ટ સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી છે. યાત્રા દરમિયાન 70 ગામોમાં આયુષ્યમાન ભારત યોજના, 117 ગામોમાં જલ-જીવન મિશન યોજના, 116 ગામોમાં લેન્ડ રેકર્ડ ડીજીટાઇઝેશન અને 123 ગામોએ O.D.F+ ની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.