અમદાવાદ: PM મોદીએ રૂ.2900 કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂ.2900 કરોડના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે, સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જોડવાનું કાર્ય કર્યું હતું. રેલવે પણ દેશને જોડવાનું કાર્ય કરે છે. આજે માત્ર બે રુટનું બ્રોડ ગેજમાં પરિવર્તન જ નથી થયું, પરંતુ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારો દિલ્હી અને ઉત્તર ગુજરાત સાથે જોડશે અને એને પરિણામે અનેક તકોનું સર્જન થશે. આજે ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં વિકાસનાં તમામ ક્ષેત્રની ગતિ અને શક્તિ વધી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: PM મોદીની કોંગ્રેસ નેતાઓને સલાહ, કહ્યું- પહેલા ભારતને એક કરનાર મહાપુરુષ સાથે જોડાઓ
અમદાવાદ-દિલ્હી માટે વૈકલ્પિક રૂટનું પણ નિર્માણ થયું
2014 પહેલાં રેલવે સહિતના ક્ષેત્રોમાં ગુજરાતની થઈ રહેલી ઉપેક્ષાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે જે બે રુટનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ થયું છે, એ કાર્ય દાયકાઓથી અપેક્ષિત હતું. આ બ્રોડ ગેજ રૂપાંતરણથી અમદાવાદ-દિલ્હી માટે વૈકલ્પિક રૂટનું પણ નિર્માણ થયું છે. ગુજરાતના વિકાસ અને કનેક્ટિવિટી માટે આજે બહુ મોટો દિવસ છે, એવું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, બ્રોડગેજ વિનાની રેલવે લાઇન એકલા ટાપુ જેવી હોય છે. જેમ નેટવર્ક વિના કોમ્પ્યૂટર અને મોબાઇલ અધૂરા છે. તેમજ બ્રોડ ગેજ કનેક્ટિવિટી વિના રેલ ક્ષેત્ર અધૂરૂ છે. આજે લોકાર્પણ થયેલ બ્રોડગેજના પરિણામે સમગ્ર રેલવે કનેક્ટીવીટીનું વિસ્તૃતિકરણ થયું છે. અગાઉ આ રૂટની ટ્રેનો અન્ય રાજ્યોમાં નહોતી જઇ શકતી અને અન્ય રાજ્યોની ટ્રેનો પણ આવતી ન હતી, જે આજે લોકાર્પણ થયેલ બ્રોડગેજ લાઇનના પરિણામે સરળ અને શક્ય બનશે.
આ પણ વાંચો: મોરબીની ગોઝારી દુર્ઘટનામાં આધુનિક ટેક્નોલોજી મદદરૂપ બની
અસારવાથી ઉદયપુરની 300 કિ.મી.ની લાંબી લાઇન ગોઠવાઇ
મીટર ગેજની લાઇન બ્રોડ ગેજમાં પરિણમે ત્યારે નવીન વિકાસની તકો લઇ આવે છે, તેમ જણાવતાં વડાપ્રધાને કહ્યું કે, જેતલસરમાં ગેજ પરિવર્તનનું કામ રેલવે કનેક્ટિવિટીને સરળ બનાવશે. અહીંથી નિકળેલી ટ્રેન દેશના કોઇપણ હિસ્સામાં જઇ શકશે તેમ તેમણે વધુમાં કહ્યું હતુ. આજે લોકાર્પણ થયેલ પ્રોજેક્ટની વિગતો આપતા વડાપ્રધાને કહ્યું કે, અસારવાથી ઉદયપુરની 300 કિ.મી.ની લાંબી લાઇન બ્રોડગેજ પરિણમવાથી ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રને દિલ્હી અને ઉતર ભારતથી જોડશે, જેનાથી અમદાવાદ અને દિલ્હી માટે વૈક્લિપ રૂટ પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે!, વહીવટી તંત્રએ કર્યો મોટો ખુલાસો
જેતલસર ખંડ સંપૂર્ણરીતે બ્રોડગેજમાં પરિવર્તિત
તદ્ઉપરાંત કચ્છ અને ઉદયપુરના પ્રવાસન સ્થળો વચ્ચે સીધી રેલવે કનેકટિવીટી સ્થાપિત થવાથી કચ્છ, ઉદયપુર, ચિત્તોઢગઢ અને નાથદ્વારાના પર્યટન સ્થળોને પ્રોત્સાહન મળશે. વધુમાં હિંમતનગરના ટાઇલ્સ ઉદ્યોગ સહિત આ રૂટના અન્ય ક્ષેત્રોમાં પણ કાર્યરત ઓધૌગિક એકમોને વેગ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં રેલવે કનેક્ટિવિટી સીમિત હતી તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, દાયકાઓ સુધી ગુજરાતના રેલ્વે કનેક્ટીવીટીને પરીપૂર્ણ કરવા માટે રાહ જોવી પડી છે. આજે જેતલસર ખંડ સંપૂર્ણરીતે બ્રોડગેજમાં પરિવર્તિત થતાં ભાવનગર અને અમરેલીના લોકોને સોમનાથ અને પોરબંદરથી સીધી કનેક્ટિવીટીનો લાભ મળશે. ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકોના પરિવહનનું અંતર અને સમય પણ ઘટશે. સુરેન્દ્રનગર, રાજકોટ, સોમનાથ, પોરબંદરમાં એક વૈક્લિપ રૂટના રૂપમાં ઉપલબ્ઘ બનશે.