ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

નવનિયુક્ત વડાપ્રધાન મોહમ્મદ યૂનુસને PM મોદીએ શુભેચ્છા પાઠવી, હિન્દૂઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી, 8 ઓગસ્ટ : બાંગ્લાદેશમાં હવે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ.મોહમ્મદ યૂનુસનું શાસન હશે. તેમની ટીમે સત્તા મેળવી લીધી છે. શપથ લેતા પહેલા તેમણે શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટીને બીજી સ્વતંત્રતા ગણાવી હતી. વિરોધીઓને સલાહ પણ આપી. કહ્યું કે, જો તમે દેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છો છો તો હવે એક પણ ગોળી ના ચલાવવી જોઈએ. સરકાર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આપણે સાથે મળીને નવું બાંગ્લાદેશ બનાવીશું. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોહમ્મદ યૂનુસને અભિનંદન પાઠવ્યા હતા અને ખાસ સંદેશ પણ આપ્યો હતો.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, પ્રોફેસર મોહમ્મદ યૂનુસ નવી જવાબદારીઓ સંભાળવા પર મારી શુભકામનાઓ. અમે હિંદુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને સામાન્ય સ્થિતિમાં વહેલા પાછા આવવાની આશા રાખીએ છીએ. ભારત બાંગ્લાદેશ સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે આપણા બંને દેશોના લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરીએ.

રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા છે. યૂનુસ ઓલિમ્પિક ગેમ્સ માટે પેરિસ ગયા હતા, પરંતુ માહિતી મળતાં જ તે બાંગ્લાદેશ પરત ફર્યા હતા. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન, વરિષ્ઠ અધિકારીઓ અને વિદ્યાર્થી નેતાઓએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે યુનુસે કહ્યું કે, આજનો દિવસ અમારા માટે ગર્વનો દિવસ છે. આપણને બીજી વાર આઝાદી મળી છે. આપણે આ સ્વતંત્રતાનું રક્ષણ કરવું પડશે. મોહમ્મદ યૂનુસે શેખ હસીનાને સત્તા પરથી હટાવનારા વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. યૂનુસે પ્રદર્શનકારીઓને કહ્યું, જો તમને મારા પર વિશ્વાસ છે, તો તમારે ખાતરી કરવી જોઈએ કે દેશમાં ક્યાંય પણ કોઈ પર હુમલો ન થાય. આ અમારી પ્રથમ જવાબદારી છે. જો તમે મારી વાત નહિ સાંભળો તો મારે અહીં આવવાની જરૂર નથી.

વચગાળાની સરકારમાં કોણ સામેલ છે

બંગભવનના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને નવી સરકારને પદના શપથ લેવડાવ્યા હતા. તેમાં ડૉ. સાલેહુદ્દીન અહેમદ, નિવૃત્ત બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈન, ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.એમડી નઝરૂલ ઈસ્લામ, આદિલુર રહેમાન ખાન, એએફ હસન આરિફ, એમડી તૌહીદ હુસૈન, સૈયદા રિઝવાના હસન, સુપ્રદીપ ચકમા, ફરીદા અખ્તરનો સમાવેશ થાય છે. બિધાન રંજન રોય, શર્મિન મુર્શીદ, એએફએમ ખાલિદ હુસૈન, ફારૂક એ આઝમ, નૂરજહાં બેગમ, નાહીદ ઇસ્લામ અને આસિફ મહમૂદને પણ વચગાળાની સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે.

શું સેના સરકાર ચલાવશે?

શેખ હસીનાના ગયા પછી જે રીતે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કમાન સંભાળી છે, તેનાથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ સેના સરકારમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેથી જ શપથ લેનારાઓની ટીમમાં ઘણા નિવૃત્ત સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રના ઘણા લોકો પણ સામેલ થયા છે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર વડા પ્રધાનની સમકક્ષ છે, અને અન્ય સલાહકારો પ્રધાનોની સમકક્ષ છે. આ વચગાળાની સરકાર નિશ્ચિત સમયગાળા માટે દેશનું નેતૃત્વ કરશે અને ચૂંટાયેલી સરકારને સત્તા સ્થાનાંતરિત કરવા માટે ચૂંટણીઓની દેખરેખ કરશે.

Back to top button