પીએમ મોદીએ ઇમરજન્સીને લોકશાહી પરનો ‘કાળો ડાઘ’ ગણાવ્યો, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કર્યો વળતો પ્રહાર
- પીએમ મોદીએ ઈમરજન્સીની 50મી તિથિના એક દિવસ પહેલા કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે, જે બાદ કોંગ્રેસ અધ્યક્ષે પીએમ પર વળતો પ્રહાર કર્યો છે
દિલ્હી, 24 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. PM એ આજે કટોકટીની 50મી તિથિના એક દિવસ પહેલા તેની જાહેરાતને ભારતીય લોકશાહી પર “કાળા ડાઘ” તરીકે વર્ણવી હતી. 18મી લોકસભાના પહેલા સત્ર પહેલા મીડિયાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “આવતીકાલે 25મી જૂન છે. 25મી જૂને ભારતના લોકતંત્ર પર લાગેલા કલંકની 50મી વર્ષગાંઠ છે.
અમે જીવંત લોકશાહીનો સંકલ્પ લઈશું: PM મોદી
પીએમે વધુમાં કહ્યું કે, “ભારતની નવી પેઢી ક્યારેય ભૂલી શકશે નહીં કે ભારતના બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું, બંધારણના દરેક ભાગના ટુકડા કરવામાં આવ્યા હતા, દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો હતો, લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી હતી. આપણા બંધારણની સુરક્ષા, આપણી લોકતાંત્રિક પરંપરાઓ, ભારતના લોકો પ્રતિજ્ઞા લેશે કે ભારતમાં જે 50 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું તે કરવાની કોઈ હિંમત નહીં કરે. આપણા સંવિધાન, ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરતા દેશવાસીઓ પ્રતિજ્ઞા લેશે કે 50 વર્ષ પહેલા જે કર્યું હતું તે કરવાની હિંમત ભારતમાં કોઈ ન કરે. અમે જીવંત લોકશાહીનો સંકલ્પ લઈશું. અમે ભારતના બંધારણના નિર્દેશો અનુસાર સામાન્ય લોકોના સપનાને સાકાર કરવાનો સંકલ્પ લઈશું.”
ખડગેએ આપ્યો વળતો જવાબ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તમે ઈમરજન્સીની યાદ અપાવી રહ્યા છો, પરંતુ તેઓ છેલ્લા 10 વર્ષની અઘોષિત ઈમરજન્સીને ભૂલી ગયા છે. ખડગે અન્ય વિપક્ષી નેતાઓ સાથે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે આ વાત કહી હતી.
છેલ્લા 10 વર્ષની અઘોષિત કટોકટી ભૂલી ગયા: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, “તમે અમને 50 વર્ષ જૂની ઈમરજન્સીની યાદ અપાવી રહ્યા છો, પરંતુ છેલ્લા 10 વર્ષની અઘોષિત ઈમરજન્સીને ભૂલી ગયા છો. લોકોએ મોદીજી વિરુદ્ધ જનાદેશ આપ્યો છે. આમ છતાં જો તેઓ વડાપ્રધાન બની ગયા છે તો તેમણે કામ કરવું જોઈએ.” ખડગેએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આગળ કહ્યું, “વિપક્ષ અને ભારત જનબંધન સંસદમાં સર્વસંમતિ ઈચ્છે છે, અમે ગૃહમાં, રસ્તા પર અને બધાની સામે લોકોનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું.”
આ પણ વાંચો: નકલી ઓળખથી સીમકાર્ડ ખરીદનારને થશે જેલની સજા, 26 જૂનથી નવો ટેલિકોમ કાયદો લાગુઃ જાણો અન્ય જોગવાઈઓ વિશે