કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે મહોત્સવ, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા

  • મહાપુરુષ દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા ગુજરાતના રાજ્યપાલ તેમજ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
  • દુનિયાના ૧૭ દેશના પ્રતિનિધિ અને ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા

મોરબી, 11 ફેબ્રુઆરી: વિશ્વ વિભૂતિ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મહોત્સવના દ્વિતીય દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ એવા દયાનંદ સરસ્વતીને સ્મરણાંજલિ અર્પણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે બીજા દિવસે કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ નહીં, પરંતુ ભારતીય ચેતનાના ઋષિ હતા: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશ આજે સ્વામી દયાનંદજીની ૨૦૦મી જન્મજયંતી મનાવી રહ્યો છે. આજે મારા માટે ટંકારા પહોંચવું સંભવ ન હતું, પરંતુ હું મન, હ્રદયથી તમારી વચ્ચે જ છું. આજે સ્વામીજીના યોગદાનો યાદ કરવા આર્ય સમાજ આ મહોત્સવ મનાવી રહ્યો છે એ વાતનો મને ખૂબ જ આનંદ છે. આ આયોજન નવી પેઢી માટે દયાંદનના જીવનથી પરિચિત થવાનું માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. દયાનંદજીની જન્મભૂમિ ગુજરાતમાં જ જન્મ અને તેઓની કર્મભૂમિ હરિયાણામાં પણ લાંબા સમય સુધી કાર્ય કરવાનો અને જાણવાનો મને અવસર મળ્યો છે એ મારા માટે સૌભાગ્યની વાત છે.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કરતાં જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો દેશની સમૃદ્ધિ તથા ઉન્નતિમાં અનન્ય ફાળો રહ્યો છે. તેઓએ ૧૮૭૫ માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી જયારે ૧૮૭૯ માં હરિયાણાના રેવાડીમાં દેશની સૌ પ્રથમ ગૌશાળાનું નિર્માણ કર્યું. મુગલો અને અંગ્રેજો દ્વારા આર્થિક રીતે ખોખલા બનાવી દેવાયેલ ભારતની અર્થવ્યવસ્થા ફરી મજબૂત બને તે માટે મહર્ષિએ કૃષિ અને ગૌ સંવર્ધન પર વિશેષ ભાર મૂકી પ્રેરક પ્રયાસો હાથ ધર્યા. ૧૦ લાખ લોકોને ગૌ હત્યા ન કરવાના તેઓએ પ્રણ લેવડાવ્યા અને તેના હસ્તાક્ષર તેઓએ રાણી વિક્ટોરિયાને ઇંગ્લેન્ડ મોકલ્યા. કિસાનોને તેઓએ રાજાઓના રાજા કહ્યા. આજે કેન્દ્ર તથા રાજ્યની સરકાર પણ ગૌ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ મહર્ષિ દયાનંદજીની ગૌસેવાની પરિકલ્પનાને સાકાર કરી રહી છે. સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, પાણી અને ધરતીને બચાવવા પ્રાકૃતિક કૃષિનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવનાર છે સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે અનેક આધુનિક પ્રયોગો સાથે ગાયોની નસલોનો વિકાસ અને વિસ્તાર પણ કરાશે.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વિશ્વના ૧૭થી વધુ દેશો, સમગ્ર દેશ અને રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા આર્ય સમાજના અનુયાયીઓનું સ્વાગત કરતાં જણાવ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની ધરા એવા ગુજરાતમાં સૌનું અંતઃ કરણથી સ્વાગત કરું છું. આપણા દેશ પર હજારો વર્ષ સુધી મુગલો અને અંગ્રેજોએ શાસન કર્યું અને દેશને હાની કરવામાં કોઈ કચાસ ન રાખી. તેમ છતાં આપણી સંસ્કૃતિ ટકી રહી એની પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. દયાનંદ સરસ્વતીનો મૂળ મંત્ર હતો ભારત તથા ભારતનો પ્રત્યેક નાગરિક બળવાન બનવો જોઈએ. જેના માટે તેમણે નિર્વ્યસની અને મજબૂત સમાજ રચના માટે અથાગ પ્રયાસો કર્યા, આપણી સંસ્કૃતિ અને વેદોને અર્વાચીન સમયમાં પુનઃ સ્થાપિત કરવા માટેનું ભગીરથ કાર્ય કર્યું. આ પ્રસંગે ટંકારા ખાતે આવેલા ઓવરબ્રિજને મહર્ષિ દયાનંદ સરસ્વતી સેતુ નામ આપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો, સિક્કિમના પૂર્વ રાજ્યપાલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, આર્ય સમાજના અગ્રણીઓ તેમજ દેશ-વિદેશથી આવેલા મહેમાનઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત: મુખ્યમંત્રીએ ‘ગાવ ચલો’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, વડગામના જલોત્રા ગામે રાત્રિ રોકાણ કર્યું

Back to top button