ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

PM મોદીએ મૃતકોના પરિવારને બે લાખ તો ગુજરાત સરકારે ચાર લાખની સહાય જાહેર કરી

વડોદરા, 18 જાન્યુઆરી 2024,શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકો તથા ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી હતી. બીજી તરફ ગુજરાત સરકારે પણ મૃતકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરી હતી.

મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય: PM
વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, વડોદરાના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાથી જાનહાની થવાથી હું વ્યથિત છું. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. PMNRFમાંથી રૂપિયા 2 લાખની સહાય દરેક મૃતકના પરિવારજનોને આપવામાં આવશે. જ્યારે ઘાયલોને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે.

બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની ગોઝારી ઘટના અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે. બીજી તરફ તેમણે વધુ એક પોસ્ટ કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

Back to top button