ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

PM મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યા હાથ! લોકસભા સ્પીકર ઓમ બિરલાને આવકારવા થયા ભેગા

  • ઓમ બિરલાએ સતત બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા

નવી દિલ્હી, 26 જૂન: બીજેપી સાંસદ ઓમ બિરલા આજે બુધવારે સતત બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી લોકસભામાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ એકબીજા સાથે ઉષ્માભેર હાથ પણ મિલાવ્યો હતો. સ્પીકરની આ ચૂંટણીના એક દિવસ પહેલા જ વિપક્ષી ગઠબંધને રાહુલ ગાંધીને વિપક્ષના નેતા(Leader Of Opposition) તરીકે પસંદ કર્યા હતા. વિપક્ષના નેતા તરીકે ગૃહમાં જવાબદારી સંભાળનારા તેઓ ગાંધી પરિવારમાંથી ત્રીજા નેતા છે. આ પહેલા તેમની માતા સોનિયા ગાંધી અને પિતા રાજીવ ગાંધી ગૃહમાં વિપક્ષી નેતા રહી ચૂક્યા છે.

 

ઓમ બિરલાએ વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર કે.સુરેશને ધ્વનિમતથી હરાવ્યા

રાજસ્થાનના કોટાથી 18મી લોકસભા માટે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમણે વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર અને કોંગ્રેસના સાંસદ કે સુરેશને ધ્વનિમતથી હરાવ્યા હતા. આ પછી વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી અને ગૃહના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. બંને ઓમ બિરલાને આવકારવા માટે સાથે આવ્યા હતા.

ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન મોદી અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ તેમને સ્પીકરની ખુરશી સુધી લઈ ગયા. રાહુલ ગાંધી પણ તેમની સાથે ગયા હતા. ઓમ બિરલાએ લોકસભા સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ PM મોદી વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આ સન્માનની વાત છે કે તમે બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા છો. હું તમને સમગ્ર ગૃહ વતી અભિનંદન પાઠવું છું અને આગામી પાંચ વર્ષ માટે તમારું માર્ગદર્શન મેળવવા હું આતુર છું.”

રાહુલ ગાંધીએ સ્પીકરને વિપક્ષની તાકાત બતાવી 

વિપક્ષના નેતાનું પદ સંભાળનાર રાહુલ ગાંધીએ ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે, જેની આ પદ માટે પસંદગી કરવામાં આવી છે. રાહુલ ગાંધી પહેલા તેમની માતા સોનિયા ગાંધીએ 1999 થી 2004 સુધી લોકસભામાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી. આ પહેલા તેમના પિતા રાજીવ ગાંધી પણ 1989 થી 1990 સુધી વિપક્ષના નેતા રહ્યા હતા.

આ સાથે જ રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન બંધારણ અને સ્પીકરને વિપક્ષની તાકાત બતાવી હતી. અંગ્રેજીમાં આપેલા ભાષણમાં તેમણે કહ્યું હતું કે, “હું તમને સમગ્ર વિપક્ષ અને INDI ગઠબંધન વતી અભિનંદન પાઠવું છું. તમે લોકોના અવાજનું માધ્યમ છો. સરકાર પાસે રાજકીય સત્તા હોઈ શકે છે, પરંતુ વિપક્ષનો અવાજ પણ બુલંદ છે. વિપક્ષ તમારા કામમાં તમારી મદદ કરશે. મને વિશ્વાસ છે કે, તમે અમને ગૃહમાં બોલવાની સમાન તક આપશો. 

આ પણ જુઓ: લોકસભા અધ્યક્ષપદની ચૂંટણીમાં NDAના ઓમ બિરલા નિયુક્ત, ધ્વનિમતથી વિજેતા જાહેર

Back to top button