ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

રાષ્ટ્રપતિ ચૂંટણી અંતર્ગત PM મોદી, અમિત શાહ સહિત CM ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું, સાંજે 5 વાગ્યા સુધી ચાલશે મતદાન

Text To Speech

દેશમાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વખતે જ્યાં NDAએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, ત્યાં યશવંત સિન્હા વિપક્ષનો ચહેરો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. રાજ્યની વિધાનસભાઓ અને સંસદ ગૃહોમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં લોકસભા-રાજ્યસભાના ધારાસભ્યો અને સાંસદો મતદાન કરી રહ્યા છે. સંસદ ભવનના પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થઈ રહ્યું છે. સાંસદોએ બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવાની રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે વોટિંગ કર્યું છે. તો ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે મતદાન કર્યું હતું.

નવા મહામહિમની પસંદગી માટે ગુજરાતમાં મતદાન
ગુજરાતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી અંતર્ગત દ્રૌપદી મુર્મુના ચૂંટણી એજન્ટ તરીકે પંકજ દેસાઈ અને રાજેન્દ્ર ત્રિવેદી છે. તો સીજે.ચાવડા અને શૈલેષ પરમાર યશવંત સિંહાના ચૂંટણી એજન્ટ બન્યા છે. એક સમયે બંને ઉમેદવારના એક એક એજન્ટ જ મતદાન મથકમાં હાજર રહી શકે છે.

CM BHUPENDRA PATEL
ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે મતદાન કર્યું હતું

ક્રોસ વોટિંગની ચિંતા 
ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઈએ આ ચૂંટણી વિશે કહ્યુ કે, અમારા તમામ 111 ધારાસભ્યો મતદાન કરશે. ક્રોસ વોટિંગ અંગે હજુ જાણકારી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્હીપ નથી હોતો. ધારાસભ્યો ઇચ્છે તેને મત આપી શકે છે. દરેકે ધારાસભ્યના મોકપોલ પણ થયા છે. 100% મતદાનનો અમને વિશ્વાસ છે. તો કોંગ્રેસ ધારાસભ્ય સીજે ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસના એકેય ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરવાના નથી. અમારા તમામ ધારાસભ્ય ગત રાતથી ગાંધીનગરમાં આવી ચૂક્યા છે.

સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે
દેશના 15મા રાષ્ટ્રપતિ માટે મતદાન ચાલી રહ્યું છે. સાંસદો અને ધારાસભ્યો નવા રાષ્ટ્રપતિને ચૂંટવા મતદાન કરી રહ્યાં છે. મત ગણતરી 21 મી જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિ 25મી જુલાઈએ શપથ ગ્રહણ કરશે. આ વખતે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુકાબલો છે. જો કે 60 ટકા જેટલા વોટ મળવાની પ્રબળ શક્યતા સાથે દ્રૌપદી મુર્મુની જીત લગભગ નક્કી મનાય છે. જો તેઓ જીતશે તો તેઓ રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરનાર દેશના પહેલા આદિવાસી મહિલા બનશે.

ચૂંટણીના આગળના દિવસે દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ભાજપના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તો આ તરફ ગાંધીનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી.

આ માટે મુર્મુની જીત પાક્કી મનાય છે

Draupadi Murmu and Yashwant Sinha
આ વખતે જ્યાં NDAએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, ત્યાં યશવંત સિંહા વિપક્ષનો ચહેરો છે.

ભાજપે 21 જૂને મુર્મુને ઉમેદવાર બનાવ્યા હતા. ત્યારે NDAના ખાતામાં 5,63,825 એટલે કે 52% મત હતા. 24 વિપક્ષી દળ સાથે હોવાથી સિન્હા સાથે 4,80,748 એટલે કે 44% મત હોવાનું માનવમાં આવતું હતું. છેલ્લા 27 દિવસમાં NDAમાં ન હોય તેવા પક્ષોનું પણ મૂર્મુને સમર્થન મળતા તેમનો પક્ષ મજબૂત બની ગયો છે. તમામ 10,86,431 મત પડે તો, 6.67 લાખ (61%)થી વધારે મત મુર્મુને મળે. જીત માટે 5,40,065 મત જોઈએ.

Back to top button