PM મોદીએ પણ સ્વીકાર્યું કે ખેતી ક્ષેત્રે અનેક પડકારો રહેલા છે; જાણો બીજું શું કહ્યું કૃષિ અંગે
- G-20માં કૃષિ પ્રધાનોને PM મોદીનું સંબોધન
જળવાયુ પરિવર્તનને કારણે હવામાનને લગતી અસામાન્ય ઘટનાઓ સર્જાઇ રહી છે. તેના કારણે કૃષિ ક્ષેત્રે ઘણાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધારે આ પડકારો દક્ષિણ ક્ષેત્રમાં અનુભવાઇ રહ્યા છે. આ વાત વડાપ્રધાન મોદીએ હૈદરાબાદમાં ચાલી રહેલી જી-૨૦ દેશના કૃષિ પ્રધાનોની ત્રણ દિવસની બેઠક દરમિયાન એક વીડિયો સંદેશમાં કહી હતી.
PM મોદીએ કૃષિ પ્રધાનોને સંબોધન કરતાં કહ્યું:
કૃષિ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ઘણાં પડકારોનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કૃષિ ૨૫૦ કરોડ કરતા વધારે લોકોને આજીવિકા આપે છે. વૈશ્વિક દક્ષિણના જીડીપીમાં લગભગ ૩૦ ટકા હિસ્સો કૃષિનો છે અને આ ક્ષેત્ર ૫૦ ટકા કરતા વધારે નોકરીઓ આપે છે. આજે આ ક્ષેત્ર ઘણાં પડકારોનો સામનો કરી રહ્યું છે. મહામારીને કારણે સપ્લાય ચેઇનમાં પેદા થયેલો અવરોધ ભૂ-રાજકીય તણાવોને કારણે વધારે વકર્યો છે. વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કૃષિ માનવ સભ્યતાનું કેન્દ્ર છે, તેથી કૃષિ પ્રધાનના રૂપમાં તમારું કાર્ય માત્ર અર્થતંત્રના એક ક્ષેત્રને સંભાળવાનું જ નથી. તમારા ખભા પર માનવતાના ભવિષ્યની એક મોટી જવાબદારી છે. વિશ્વ સ્તરે કરોડો લોકોને રોજગાર આપનારું આ જ એક ક્ષેત્ર છે. તેને બચાવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસ કરાવા જોઇએ. એટલું જ નહીં વડાપ્રધાને કહ્યુ હતું કે કૃષિ ક્ષેત્રમાં ભારતની નીતિ બેક ટુ બેઝિક્સ અને માર્ચ ટુ ફ્યૂચરનું મિશ્રણ છે. પીએમએ કહ્યું હતું કે કુદરતી ખેતીની સાથે-સાથે ટેક્નોલોજી આધારિત ખેતીને પણ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. સમગ્ર ભારતમાં ખેડૂતો કુદરતી ખેતી કરી રહ્યા છે. તેઓ સિન્થેટિક ખાતર અથવા જંતુનાશકોનો ઉપયોગ નથી કરી રહ્યા. તેમનું ધ્યાન ધરતી માતાનો કાયાકલ્પ કરવા પર છે.
ભોજનનો વેડફાટ રોકવો જરૂરી: PM મોદી
વડાપ્રધાને કૃષિ અને ભોજનનો વેડફાટ ઘટાડવા અને તેના સ્થાને કચરામાંથી સંપત્તિ તૈયાર કરવામાં રોકાણ કરવા પર પણ ભાર આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે જરૂર છે કે કચરામાંથી સંપત્તિના નિર્માણમાં રોકાણ કરવા પર તાત્કાલિક કામ કરવામાં આવે. આજે દુનિયાના વિવિધ ભાગોની પરંપરાગત પ્રથાઓ આપણને પુનઃઉપયોગી કૃષિના વિકલ્પ વિકસિત કરવા માટે પ્રેરિત કરી શકે છે. આપણે આપણા ખેડૂતોને ઇનોવેશન અને ડિજિટલ ટેક્નોલોજીની સાથે સશક્ત બનાવવાની જરૂર છે.
આ પણ વાંચો: વાવાઝોડામાં આવેલો વરસાદ ખેડૂતોને ફળશે, વાવણી વહેલી થઈ શકશે