ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ કિસાન પરિવારોને ૧૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ અન્વયે મળી

ગાંધીનગર, તા. 24 ફેબ્રુઆરી, 2025ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારના ભાગલપુરથી વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ કિસાન પરિવારોને ૧૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિના ૧૯માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી ચૂકવવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યભરના ૨.૫૦ લાખથી વધુ ખેડૂતોએ વડાપ્રધાનના સંબોધનનું અને રાજ્યવ્યાપી સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
વડાપ્રધાને દેશના ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને સહાયરૂપ થવાના કિસાન હિતકારી અભિગમથી ૧૦૦ ટકા કેન્દ્ર સહાયિત આ કિસાન સન્માન નિધિ યોજના ૨૦૧૯થી જાહેર કરેલી છે. આ યોજના અંતર્ગત કિસાન પરિવારોને પ્રતિવર્ષ કુલ ૬ હજાર રૂપિયાની સહાય ડી.બી.ટી.થી ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા ૧૮૮૧૩.૭૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અવસરે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્ર સરકારે ૨૦૨૪-૨૫ માટે તુવેરનો ટેકાનો ભાવ ૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. તદ્દઅનુસાર રાજ્યમાં ૨૦૦ જેટલા ખરીદ કેન્દ્રો પરથી ૨.૬ લાખ મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે. આ હેતુસર અત્યાર સુધીમાં ૧ લાખ ૨૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી પણ કરાવી છે.
ગાંધીનગર ખાતે આયોજિત ‘કિસાન સન્માન સમારોહ’ અંતર્ગત, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બિહાર ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાથી મંત્રીશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની સાથે નિહાળ્યું.#PMKisan#KisanSanmanSamaroh pic.twitter.com/zP89k63foY
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 24, 2025
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકાર બીજથી બજાર સુધી ખેડૂતોની સાથે ઊભી રહી છે. નાના ખેડૂતો માટે કિસાનહિત અભિગમથી શરૂ થયેલી કિસાન સન્માન નિધિ યોજના તેમના માટે આશીર્વાદરૂપ બની છે. તેમણે કહ્યું કે, જો નિયત નેક અને સેવાની ભાવના હોય તો કિસાન હિતકારી અને જનસેવા લક્ષી કામો કેવી ગતિએ થઈ શકે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાને ચીંધેલા માર્ગે ચાલીને રાજ્ય સરકારે પણ સમગ્ર કૃષિ ક્ષેત્રને સમયાનુકૂળ બનાવવા અનેક પહેલ કરી છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને આ વર્ષના બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે ૨૨,૪૯૮ કરોડ રૂપિયાની જોગવાઈઓ સુનિશ્ચિત કરી છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા પણ કેન્દ્ર સરકારની પેટર્ન મુજબ ૩ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કિસાન સન્માન સમારોહના પ્રારંભે અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ- કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
કિસાન સન્માન સમારોહ અંતર્ગત, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભનું ખેડૂતોને વિતરણ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યમાં ખેડૂતોના ઉત્કર્ષની અનેકવિધ યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં કૃષિ ક્ષેત્રનો… pic.twitter.com/wnVcOOmpUj
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 24, 2025
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારનો અભિગમ હરહંમેશથી કૃષિ અને ખેડૂત હિતલક્ષી રહ્યો છે. ગુજરાતના ખેડૂતોને બિયારણની ખરીદી અને વાવણીથી લઈને ઉત્પાદનોના વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જરૂરી તમામ સહાય, સુરક્ષા અને મદદ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે તત્પરતા સાથે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વાવણી માટે બિયારણ, ખેતી માટે ઔજારો-યાંત્રિક સાધનો, યુરિયા, પરિવહન માટે વાહન અને વેચાણ માટે ટેકાના ભાવે ખરીદી સુધીની તમામ સુવિધાઓ ગુજરાતમાં વિકસી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ગત વર્ષે ૩.૭ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૪૫૬ કરોડની સહાય તેમજ ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના ૧.૭ લાખથી વધુ ખેડૂતોને રૂ.૬૮૬ કરોડથી વધુની સહાય આપી છે. એટલું જ નહીં, ગત વર્ષે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરીને રાજ્યના ૭.૩૧ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૪૦૪ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Fact Check: RBI 150 રૂપિયાની નોટ બહાર પાડશે? જાણો હકીકત