ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર વધ્યું, જાણો કયા-કયા પાકોનું વાવેતર વધુ થયુ

  • રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં 10 લાખ હેક્ટર જેટલો વધારો.
  • રાજ્યમાં ખરીફ પાકનું કુલ 40.46 લાખ હેક્ટરમાં વાવેતર થયું.

HD ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં ટાઈમસર ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ વરસાદ થતા રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. ચાલુ વર્ષે ૩ જુલાઈ સુધીમાં રાજ્યમાં થયેલા વાવેતરની વિગતો જોઈએ તો રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આશરે 10 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40.46 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

સૌથી વધુ 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું:

રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર વધ્યું, જાણો કયા-કયા પાકોનું વાવેતર વધુ થયુ

કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 47.07 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું 15.26 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે 5 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.

કપાસ બાદ સૌથી વધુ તેલીબીયા પાકોનું કુલ 15.11 લાખ હેકટરમાં વાવેતર થયું:

રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર વધ્યું, જાણો કયા-કયા પાકોનું વાવેતર વધુ થયુ

રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 11.02 લાખ હેક્ટર હતું. આ વર્ષે તેલીબિયા પાકના વાવેતરમાં આશરે 4 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન 10.14 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતરમાં આશરે 3 લાખ હેકટરના વધારા સાથે અત્યાર સુધીમાં કુલ 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

સિઝનનો વરસાદ સારો થતાં વાવેતરમાં વધારો થયો:

રાઘવજીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વાવેતર વિસ્તારમાં આશરે 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે અને હજુ પણ ખરીફ ઋતુમાં પાક વાવેતરમાં સમયની સાથે વધારો થવાની પૂરતી સંભાવનાઓ છે.

આ પણ વાંચો: અરે…આતો ચિંતામાં મુકી દિધા અંબાલાલે તો! જાણો તેમણે હવામાનને લઈને શું અનુમાન વ્યક્ત કર્યું

Back to top button