ઉત્તર ગુજરાત

અંબાજીમાં આસ્થા સાથે ખીલવાડ, પ્રસાદ અને પાર્કિંગના નામે લુંટાતા યાત્રીકો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી માતાજીના દર્શને આવતા યાત્રિકોએ ચેતવા જેવું છે. અહીંના પ્રસાદની દુકાન ધરાવતા કેટલાક દુકાનદારો ચાંદીના નકલી છત્ર, પ્રસાદના ઊંચી રકમના અને કાચા બિલ યાત્રિકોને પકડાવી દે છે. આમ કરીને દર્શને આવતા યાત્રિકોની આસ્થા સાથે ખિલવાડ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો કલોલના યાત્રિકનો સામે આવ્યો છે. જેમને અહીંના એક પ્રસાદના વ્યાપારી સામે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી દાદ માંગી હતી. જેમાં ગાંધીનગરની ગ્રાહક અદાલતે પ્રસાદના વ્યાપારીને દંડ ફટકાર્યો છે.

યાત્રીકે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતા પ્રસાદના વ્યાપારીને ફટકાર્યો દંડ

અંબાજી આવતા યાત્રિકોને અહીંના કેટલાક ઠગ વેપારીઓએ લૂંટવાનો કારસો બનાવી દીધો હોય તેમ યાત્રિકની ગાડી આવતી જોઈને રોડ ઉપર રોકી પોતાની પ્રસાદની દુકાન આગળ તેમનું વાહન પાર્કિંગ કરાવી દે છે અને મંદિર બંધ થઈ જવાની તૈયારીમાં છે. તેમ જણાવી તેમના હાથમાં પ્રસાદની કીટ આપી દે છે. તેમજ હિસાબ તમે દર્શન કરીને આવો પછી કરીશું. તેમ જણાવી દર્શન કરી પરત આવતા યાત્રિકને પ્રસાદ ની કીટનું મસ મોટું બિલ પકડાવી દે છે. આ કીટમાં ચાંદીનું છત્ર પણ નકલી અને કોઈ ગેરંટી વગરનું પધરાવી દેતા હોય છે. આમ યાત્રિકોની સાથે છેતરપિંડી આચરીને બિલની રકઝક કરી દાદાગીરી પણ કરતા હોય છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ

આવા જ એક યાત્રિક ગાંધીનગરના પાનસરથી અંબાજી વાહન ભાડે કરીને પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા. ત્યારે અંબાજીમાં પ્રસાદની દુકાન ધરાવતા રાજુભાઈ હેમાજી વણઝારાએ આ યાત્રિકને ગેરમાર્ગે દોરીને ચાંદીનું નકલી છત્ર અને ખોટી વસ્તુઓ પધરાવી હતી. જેનું કાચું બિલ રૂપિયા 873/- નું પકડાવી દીધું હતું. પરંતુ યાત્રીકે પાકુ બિલ માંગતા દુકાનદારે બબાલ કરી હતી. જેથી મંદિરમાં આવેલ ગ્રાહક સલાહ કેન્દ્ર અને સુરક્ષા કેન્દ્રમાં આ યાત્રિકે ફરિયાદ આપી હતી. જેને પગલે ગાંધીનગર ગ્રાહક સુરક્ષા અદાલતમાં આ અંગેનો કેસ દાખલ કરાયો હતો. આ કેસ ચાલી જતા ગ્રાહક અદાલતે પ્રસાદના દુકાનદાર રાજુભાઈ વણઝારાને રૂ. 2000, ફરિયાદીએ પ્રસાદના ચૂકવેલા 873/- નવ ટકા વ્યાજ સાથે અને માનસિક ત્રાસના રૂપિયા 5000/- ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે રાજુ વણઝારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી પોલીસને હુકમ કર્યો છે.

અંબાજી માતાજી- HUMDEKHENGENEWS અંબાજી માતાજી- HUMDEKHENGENEWS

અંબાજી દર્શન માટે જાઓ તો આટલું ધ્યાન રાખો

  • ઉધારમાં વસ્તુઓ લેવી નહીં
  • ખરાઈ કર્યા વગર કોઈ વસ્તુ ખરીદવી નહીં
  • આસ્થાના નામે માતાજી માટે નકલી વસ્તુઓમાં છેતરાઈ ના જાવ તે જુઓ
  • કિંમત પૂછ્યા સિવાય વસ્તુઓ ખરીદવી નહીં
  • પાકા બીલ વગર વસ્તુઓના ખરીદો
  • મંદિર ટ્રસ્ટના અને ખાનગી પાર્કિંગ આવેલા છે ત્યાં વાહન પાર્ક કરો
  • પ્રસાદની દુકાન આગળ વાહન પાર્કિંગ કરાવે તો ના કરો
  • મંદિર ટ્રસ્ટની પૂજાપો કે પ્રસાદ ની દુકાન નથી, આવી વાતથી છેતરાશો નહીં.
Back to top button