ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટે ‘નાયબ મુખ્યમંત્રી’ પદને રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક કરવાની પ્રથાને પડકારતી PILને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે. અલગ-અલગ રાજ્યોમાં નાયબ મુખ્ય મંત્રીની નિમણૂક વિરુદ્ધ અરજી દાખલ કરાઈ હતી, જેના પર કોર્ટે આજે નિર્ણય આપ્યો છે. અરજદારે દલીલ કરી હતી કે, નાયબ મુખ્યમંત્રીનું પદ બંધારણમાં લખાયેલું નથી. બંધારણમાં કોઈ જોગવાઈ ન હોવા છતાં, વિવિધ રાજ્ય સરકારોએ નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરી છે. બંધારણના અનુચ્છેદ 164માં માત્ર મુખ્યમંત્રીઓની નિમણૂકની જોગવાઈ છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી પણ મંત્રી હોય છે. કોઈ પણ પદને નામ આપવાથી બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી.

ડેપ્યુટી CM પદ બંધારણીય દરજ્જો છે: SC

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે કહ્યું કે, આ માત્ર એક લેબલ છે. જો તમે કોઈને ડેપ્યુટી સીએમ કહો તો પણ બંધારણીય દરજ્જો માત્ર મંત્રીનો જ છે. નાયબ મુખ્ય મંત્રી પદ સાથે કોઈ ચોક્કસ વ્યક્તિના જોડાણનો બંધારણીય અર્થમાં કોઈ વાસ્તવિક સંબંધ નથી. તેઓ ઉચ્ચ પગાર મેળવતા નથી અને મંત્રી પરિષદના અન્ય સભ્ય જેવા છે.બેન્ચમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારોમાં નાયબ મુખ્ય મંત્રીની નિમણૂકને પડકારતી અરજીમાં તથ્ય નથી અને તેને બરતરફ કરવી જોઈએ. આમ, અરજીને ફગાવી દેવાઈ હતી.

PILમાં નિમણૂકથી મૂંઝવણ પેદા કરવાનો દાવો

એડવોકેટ મોહન લાલ શર્મા દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL)એ જણાવ્યું હતું કે બંધારણની કલમ 164 માત્ર મુખ્યમંત્રીઓની નિમણૂકની જોગવાઈ કરે છે અને નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂકને રાજ્યોના નાગરિકો અથવા જનતા સાથે કોઈ લેવા-દેવા નથી. નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂકથી લોકોમાં મોટા પાયે મૂંઝવણ પેદા થાય છે અને રાજકીય પક્ષો દ્વારા કાલ્પનિક પોર્ટફોલિયો બનાવીને ખોટા અને ગેરકાયદેસર દાખલાઓ સ્થાપિત કરાઈ રહ્યા છે. કારણ કે નાયબ મુખ્યમંત્રીઓ સ્વતંત્ર નિર્ણય લઈ શકતા નથી, પરંતુ તેમને મુખ્યમંત્રી તરીકે સમાન અધિકાર આપવામાં આવે છે.

14 રાજ્યોમાં 26 નાયબ મુખ્યમંત્રી

મહત્ત્વનું છે કે, હાલ દેશભરના 14 રાજ્યોમાં 26 નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. એડવોકેટ મોહનલાલ શર્મા દ્વારા દાખલ કરાયેલી PILમાં કહેવામાં આવ્યું છે કે નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂકને રાજ્યના નાગરિકો સાથે કોઈ લેવાદેવા નથી. તેમ જ કહેવાતા નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂકથી રાજ્યના લોકો માટે કોઈ વધારાનું કલ્યાણ થતું નથી.

આ પણ વાંચો: ‘ગુજરાતી ઠગ’ વાળા નિવેદન પર તેજસ્વી યાદવે ફરી સુપ્રીમ કોર્ટમાં માંગી માફી

Back to top button