મહેસાણાના નુગર પાસે પીકઅપ ડાલાએ ગાડીને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ; બેનો બચાવ, એક મહિલા ઇજાગ્રસ્ત


મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે નુગર નગર નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક પીકઅપ ડાલાના ચાલકે હોન્ડા સિટી કારને ટક્કર મારતા ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, પીકઅપનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બેનો આબાદ બચાવ, એક ઇજાગ્રસ્ત
પ્રાથમિક માહિતી અનુસાર, કડી તાલુકામાં આવેલા કૈયલ ગામે રહેતા ભારતીબેન અને તેમનો પરિવાર કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે મહેસાણા તાલુકાના નુગર બોદલા ગામ વચ્ચે અપંગ સેવા ટ્રસ્ટ નુગર સ્કૂલ આગળ એક બેફામ પીકઅપ ડાલના ચાલકે ફરિયાદીની ગાડીને આગળના ભાગે ટક્કર મારી હતી. જેમાં ગાડીમાં સવાર ભારતીબેનના ભાઈ અને પતિનો આબાદ બચાવ થયો હતો અને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હાલ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.