ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસહેલ્થ

ફાર્માસ્યુટિકલ કંપનીઓ સરકારના રડાર પર, 68% દવાઓ નબળી ગુણવત્તાની

  • સરકાર દેશમાં નબળી ગુણવત્તાની દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ પર કાર્યવાહી કરશે
  • સરકારે એવી ફાર્માસ્યુટિકલ કંપનીઓની ઓળખ કરી છે જે પ્રમાણભૂત ગુણવત્તાની દવાઓનું ઉત્પાદન કરતી નથી
  • લગભગ 68% કંપનીઓ સરકારી તપાસમાં નિષ્ફળ સાબિત થઈ છે

નવી દિલ્હી, 29 નવેમ્બર: ભારતને વિશ્વની ફાર્મસી કહેવામાં આવે છે, કારણ કે અહીંથી આખી દુનિયાને દવાઓ સપ્લાય કરવામાં આવે છે. ભારતમાં જ્યાં મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ બ્રાન્ડેડ દવાઓ બનાવે છે. જ્યારે MSME ક્ષેત્રની ફાર્માસ્યુટિકલ કંપનીઓ મુખ્યત્વે જેનરિક દવાઓનું ઉત્પાદન કરે છે જેની દેશ અને વિદેશમાં ખૂબ માંગ છે. આથી સરકાર હવે આ કંપનીઓની દવાઓની ગુણવત્તાને લઈને ઘણી સભાન બની ગઈ છે.

તાજેતરમાં ગેમ્બિયાએ ત્યાંના બાળકોના મૃત્યુ માટે ભારતમાં બનતી કફ સિરપને જવાબદાર ગણાવી હતી. આને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ રાજ્ય સ્તરના ડ્રગ ઈન્સ્પેક્ટરો સાથે મળીને દેશભરની ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. જેથી દેશમાં નબળી ગુણવત્તાની દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓની ઓળખ કરી શકાય.

68% કંપનીઓની દવાઓ નબળી ગુણવત્તાની છે

અહેવાલો મુજબ, આ ઝુંબેશ દરમિયાન માઈક્રો, સ્મોલ અને મિડિયમ (MSME) સેક્ટરની તમામ કંપનીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી લગભગ 68% કંપનીઓની દવાઓ યોગ્ય ગુણવત્તાની નથી. ગયા વર્ષે ડિસેમ્બરથી આ તપાસ ચાલુ હતી. સૂત્રો અનુસાર, આ તમામ MSME કંપનીઓમાંથી 30 ટકા કંપનીઓને કામ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ચોથા તબક્કાની તપાસ ચાલી રહી છે

હાલમાં દવાઓની જોખમ આધારિત તપાસનો આ ચોથો તબક્કો ચાલી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં 22 કંપનીઓમાંથી 446 નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી 271  નમૂનાની  વિગતવાર તપાસ કરવામાં આવી છે. આ 271 નમૂનાઓમાંથી 230 પ્રમાણભૂત ગુણવત્તાના મળી આવ્યા હતા, જ્યારે 41 નમૂના નબળી ગુણવત્તાના હતા. દેશમાં વર્ષ 1988માં ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ(GMP)સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દવાઓની પ્રમાણભૂત ગુણવત્તા જાળવવાનો છે. તેના નિયમોમાં 2005માં છેલ્લો સુધારો કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ઓગસ્ટમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે, રૂપિયા 250 કરોડ કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ 6 મહિનાની અંદર GMP લાગુ કરવી પડશે. બાકીની કંપનીઓને આ માટે 1 વર્ષનો સમય મળશે. જો કંપનીઓ સમયસર આવું નહીં કરે તો તેમને દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો, ભારતના ચાહક બન્યા ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ, કહી આ વાત

Back to top button