PGVCLની મોટી કાર્યવાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 4 મહિનામાં 82 કરોડની વીજચોરી ઝડપી પાડી
- વીજચોરો પર PGVCLની સર્જીકલ સ્ટ્રાઈક
- સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 4 મહિનામાં 82 કરોડની વીજચોરી પકડાઈ
- સૌથી વધુ ભાવનગર અને સૌથી ઓછી બોટાદમાં પકડાઈ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજચોરી ન થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્રારા સમયાંતરે ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચેકિંગ દરમિયાન કુલ એકાદ લાખ કરતા વધુ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં 27 હજારથી વધુ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આ ચેકિંગ દરમિયાન સૌથી વધુ ભાવનગર અને સૌથી ઓછી વીજચોરી બોટાદમાં પકડાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર,છેલ્લા કેટલાક મહિનામાં રાજકોટ PGVCL દ્વારા વીજચોરી કરતા આસમીઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એપ્રિલ-2023થી જુલાઈ-2023 દરમિયાન ચાર મહિનામાં કુલ રૂ. 82 કરોડની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. આ માટે છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચેકિંગ દરમિયાન કુલ એકાદ લાખ કરતા વધુ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 27 હજારથી વધુ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આ ચેકિંગ દરમિયાન સૌથી વધુ ભાવનગર અને સૌથી ઓછી વીજચોરી બોટાદમાં પકડાઈ હતી.
સૌરાષ્ટ્ર -કચ્છના 1,39,719 વીજ કનેક્શનો ચેક કરાયા
જીયુવીએનએલનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા છેલ્લા 4 મહિનાઓથી વીજચોરી ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત PGVCLની વિવિધ ટીમો દ્વારા પોલીસ અને વિજિલન્સની ટીમોને સાથે રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના મળીને કુલ 1,39,719 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 27,254 વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવતા પુરવણી બિલો ફટકારવામાં આવ્યા હતા અને કુલ રૂ. 82.06 કરોડની વીજચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં 2,987 કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઈ
PGVCL તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં 21,310 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 2,987 કનેક્શનમાંથી રૂ. 7.38 કરોડ, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 17,424 કનેક્શનમાંથી 2,880 કનેક્શનમાં ગેરરીતિ સામે આવતા તેમાંથી રૂ. 7.44 કરોડની વસુલાત કરવામાં આવી હતી. જો કે, આ ચેકિંગ દરમિયાન ભાવનગરમાંથી સૌથી વધુ વીજચોરી ઝડપાઇ હતી. ભાવનગરના 13,129 વીજ કનેક્શન ચેક કરતા તેમાંથી 3,763 કનેક્શનમાં ગેરરીતિ મળી હતી. જેને પગલે કુલ રૂ. 15.08 કરોડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે સૌથી ઓછી વીજચોરી બોટાદ પંથકમાંથી મળી હતી. બોટાદમાં 6,309 કનેક્શન ચેક કરતા 1,485 કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી. જેમાંથી રૂ. 3.03 કરોડની વસુલાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : જામનગર – દ્વારકા જિલ્લામાં બે દિવસમાં રૂ.52.36 લાખની વીજચોરી ઝડપાઇ