Petrol Pump: કેવી રીતે મળી શકશે પેટ્રોલ પંપનું લાયસન્સ? કેટલો થશે ખર્ચ અને કેટલી થશે કમાણી? જાણો બધું જ


Petrol Pump Licence: ભારતમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની ઘણી માંગ છે. અહીં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનું મોટા પાયે વેચાણ થાય છે. જો તમે કોઈ નવા બિઝનેસમાં રોકાણ કરવા માંગો છો તો તમે પેટ્રોલ પંપ ખોલી શકો છો. પેટ્રોલ પંપનો બિઝનેસ નફાકારક બિઝનેસ માનવામાં આવે છે. ભારતમાં IOCL, BPCL, HPCL, એસ્સાર અને રિલાયન્સ જેવી સરકારી અને ખાનગી કંપનીઓ પેટ્રોલ પંપ માટે લાયસન્સ જારી કરે છે. 21 થી 55 વર્ષની વયજૂથની કોઈપણ વ્યક્તિ પેટ્રોલ પંપનું લાયસન્સ મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા માંગે છે તો તેઓ લાયસન્સ માટે ધોરણ 10 પાસ હોવા જરૂરી છે અને જો કોઈ શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા ઈચ્છે છે તો તે વ્યક્તિ 12 ધોરણ પાસ હોવા જોઈએ.
પેટ્રોલ પંપ ખોલવા માટે આટલું રોકાણ જરૂરી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ પંપ ખોલવા માટે લગભગ 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. બીજી તરફ જો તમે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા માંગો છો તો તમારે 30-35 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
કેવી રીતે ફાળવવામાં આવે છે પેટ્રોલ પંપ?
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, કંપની ફીલ્ડ ટીમ દ્વારા કરવામાં આવેલા રિસર્ચના આધારે કોઈપણ સ્થળે રિટેલ આઉટલેટ્સ સ્થાપિત કરે છે. જો તે સ્થાન બિઝનેસ માટે સારું જણાય તો તેને માર્કેટિંગ પ્લાનમાં પણ સામેલ કરવામાં આવે છે. તમે ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ www.iocl.com પર પેટ્રોલ પંપ ખોલવા માટેની માર્ગદર્શિકા જોઈ શકો છો.
પેટ્રોલ પંપ માટે જરૂરી છે આટલી જમીન
જાણી લો કે પેટ્રોલ પંપ ખોલવા માટે તમારી પાસે નેશનલ હાઈવે પર ઓછામાં ઓછી 1200 ચોરસ મીટર જમીન હોવી જરૂરી છે. સાથે જ શહેરી વિસ્તારોમાં પેટ્રોલ પંપ ખોલવા માટે 800 ચોરસ મીટર જમીન હોવી જોઈએ. જો જમીન અરજદારના નામે ન હોય તો તેમણે વધુ સમય માટે જમીન લીઝ પર લેવી પડશે.
નોંધનીય છે કે જો પેટ્રોલિયમ કંપની નવા વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા માંગે છે, તો તેના માટે અખબારોમાં અને સત્તાવાર વેબસાઇટ પર જાહેરાતો આપવામાં આવે છે. આમાં લોટરી સિસ્ટમનો પણ ઉપયોગ થાય છે. પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર કમિશનની વાત કરીએ તો દરેક કંપની અલગ-અલગ ટકા કમિશન આપે છે. દરેક પેટ્રોલ પંપ ડીલર વેચાતા પેટ્રોલના લિટર દીઠ સરેરાશ અઢીથી ત્રણ રૂપિયાનો ફાયદો થાય છે.