રાજકોટમાં 100 રૂપિયાની માથાકૂટમાં પેટ્રોલ બોમ્બ વડે હુમલો
- નકળંગ ચાની હોટેલ પર અજાણ્યા શખસોએ માથાકૂટ કરી
- પેટ્રોલ બોમ્બના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
- ભીડ ઓછી હોવાના કારણે મોટી જાનહાનિની ઘટના ટળી હતી
રાજકોટમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધી ગયો છે. જેમાં 100 રૂપિયાની માથાકૂટમાં પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી રોડ ખાતે નકળંગ ચાની હોટેલ પર અજાણ્યા શખસોએ 100 રૂપિયાની લેતીદેતી બાબતે માથાકૂટ કરી હતી.
પેટ્રોલ બોમ્બના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
માથાકૂટ બાદ થોડા સમય માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. બાદમાં સોડાની બોટલમાં પેટ્રોલ ભરી આ પેટ્રોલ બોમ્બ બનાવ્યો અને હોટેલ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતાં. હોટેલમાં પેટ્રોલ બોમ્બના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, મોડી રાત્રે હોટેલમાં લોકોની ભીડ ઓછી હોવાના કારણે મોટી જાનહાનિની ઘટના ટળી હતી.
પેટ્રોલ બોમ્બ ફેંકી લગાવી આગ
સમગ્ર બાબતે હોટેલના માલિક જગદીશભાઈના જણાવ્યા અનુસાર, ‘આ અજાણ્યા શખસો નશામાં હતાં અને દારૂ પીધેલા હતાં. તેઓએ 50 રૂપિયા આપ્યા હતાં અને કહ્યું કે, 100 રૂપિયા આપ્યા છે. બીજા પૈસા પાછા આપવાની માંગ કરી. તો પણ માથાકૂટ ન કરે એટલે મેં 100 રૂપિયા આપી દીધા. છતાં તેઓએ ત્યાં હાજર અન્ય વ્યક્તિઓને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારો બતાવી ધમકાવ્યા અને બેફામ ગાળો દીધી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયાં અને થોડા સમય બાદ પરત ફરી સોડાની બોટલમાં પેટ્રોલ ભરી તેમાં આગ ચાંપી હોટેલ પર ફેંકી હતી. જોકે, આ સમય દરમિયાન હોટલમાં ઓછા લોકો હતાં તેથી આ પેટ્રોલ બોમ્બથી કોઈને જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો: જામનગર-દ્વારકામાં 5 દિવસથી મેગા ડિમોલિશન, 285 દબાણ હટાવાયા