શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના અરજદારને મળી જાનથી મારી નાખવાની ધમકી
નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી : મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં પક્ષકાર અને હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાને ત્રણ કારતૂસ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. ધમકી મળ્યા બાદ પૂર્વ દિલ્હી જિલ્લા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાનું કહેવું છે કે પૂર્વ દિલ્હીમાં તેમના ઘરે એક પાર્સલ આવ્યું હતું. જેમાં ત્રણ જીવતા કારતુસ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર હતો. પત્ર પાર્સલ તેમના મધુ વિહાર આઈપી એક્સટેન્શન સરનામે મોકલવામાં આવ્યું હતું.
પત્ર સાથે મોકલી ત્રણ ગોળીઓ
ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘બાબરી શહીદ થઈ ગઈ છે, હવે અમે કોઈ મસ્જિદને શહીદ નહીં થવા દઈએ. વિષ્ણુ ગુપ્તા તું મથુરાની ઇદગાહ મસ્જિદનો કેસ પાછો ખેંચી લે નહિતર તને મારી નાખવામાં આવશે. તું એટલો તો સમજદાર હોઇશ કે જ્યારે આ ત્રણ ગોળી તારા સુધી પહોંચી ગઈ છે તો, ચોથી ગોળીને તારા માથા સુધી પહોંચતા વાર નહીં લાગે.
બુલેટ તારા માથામાં હશે
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘અલ્લાહ હુ અકબર! આજે હું તને ત્રણ ગોળીઓ મોકલી રહ્યો છું, હવે પછીની ગોળી તારા માથામાં હશે. બાબરી શહીદ થઈ ગઈ છે, હવે અમે બીજી કોઈ મસ્જિદને શહીદ નહીં થવા દઈએ.
શું છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ?
કાશી અને મથુરા વચ્ચેનો વિવાદ પણ કંઈક અંશે અયોધ્યા જેવો જ છે. હિન્દુઓનો દાવો છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિરો તોડીને ત્યાં મસ્જિદો બનાવી હતી. ઔરંગઝેબે 1669માં કાશીના વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હતું અને 1670માં મથુરામાં ભગવા કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો. આ પછી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો : વિશ્વ હિન્દુ પરિષદે જ્ઞાનવાપીમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની પૂજા કરવા કરી માંગ