‘ધ કેરળ સ્ટોરી’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન, ફિલ્મની રિલીઝને રોકવાની માગણી
HD ન્યુઝ ડેસ્કઃ મોટા પડદા પર રિલીઝ થતા પહેલા જ ચર્ચામાં આવેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ ફિલ્મને ચોક્કસ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવતી ગણાવીને તેની રિલીઝ રોકવાની માંગ કરવામાં આવી છે. આ મામલો આજે જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પરંતુ જસ્ટિસ જોસેફે કહ્યું કે અરજદારે ચીફ જસ્ટિસનો સંપર્ક કરવો જોઈએ. આવી સ્થિતિમાં બુધવારે ચીફ જસ્ટિસ સમક્ષ અરજી મુકવામાં આવી શકે છે.
લવ જેહાદ દ્વારા કથિત રીતે ધર્માંતરણઃ
નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, દિગ્દર્શક સુદીપ્તો સેન અને અભિનેત્રી અદાહ શર્માની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ 5મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે તે સત્ય ઘટનાઓ પર આધારિત છે. તે કેરળની 32,000 છોકરીઓની વાત કરે છે જે ગુમ છે. જેમને લવ જેહાદ દ્વારા કથિત રીતે ધર્માંતરણ કરવામાં આવ્યું હતું અને આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ)’ની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ભારતની બહાર મોકલવામાં આવ્યા હતા.
પત્રકાર કુર્બન અલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી:
અત્યાર સુધીમાં કરોડો લોકો યુટ્યુબ પર ફિલ્મનું ટ્રેલર જોઈ ચૂક્યા છે. કેરળના મુખ્ય રાજકીય પક્ષો સીપીએમ અને કોંગ્રેસ સતત ફિલ્મને ખોટી ગણાવીને તેનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પત્રકાર કુર્બન અલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એડવોકેટ નિઝામ પાશાએ જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચ સમક્ષ આ અરજી મૂકી હતી. આ બેન્ચ નફરતભર્યા નિવેદનો સામે પડતર અરજીઓની સુનાવણી કરી રહી છે. સિબ્બલે માંગણી કરી હતી કે કુર્બાન અલીની અરજીને આ જ કેસ સાથે જોડીને તરત સુનાવણી કરવામાં આવે.
ન્યાયાધીશોએ આ મામલામાં સીધો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જો અરજદારો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ઇચ્છે છે, તો તેઓએ મુખ્ય ન્યાયાધીશની સામે તેમની વાત મૂકવી જોઈએ. તેના પર સિબ્બલે કહ્યું કે અરજીમાં જરૂરી સુધારા કર્યા બાદ આજે જ તેને ફરીથી દાખલ કરવામાં આવશે અને આવતીકાલે ચીફ જસ્ટિસને વહેલી સુનાવણી માટે વિનંતી કરશે.