ગુજરાત

આયુર્વેદિક સીરપની આડમાં આરોગ્ય સાથે ચેડાં કરતા લોકોને છોડાશે નહીંઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Text To Speech

ગાંધીનગરઃ ખેડામાં પાંચ યુવકોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ખેડા પોલીસે આ ઘટનામાં ત્રણ શખ્સોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસને એક આયુર્વેદિક સિરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હોવાની શંકા છે. ત્યારે આ ઘટનામાં હવે સરકાર પણ કડક બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઘટના સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યમાં કોઇપણ પ્રકારના કેફી પદાર્થોના વેચાણ માટે પરવાનગી અપાઇ નથી‌.આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે પરવાના લેવા ફરજિયાત છે.આયુર્વેદિક સીરપની આડમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લોકોને છોડાશે નહીં.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, નડિયાદમાં થયેલ ઘટનામાં આયુર્વેદ પદાર્થમાં કોઈ અન્ય કેમિકલની મિલાવટ હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. જે રાજ્ય બહારથી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનાક્રમની જાણ થતાં પોલીસ વિભાગે તપાસ હાથ ઘરી છે. વધુમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં આયુર્વેદ દવા સાથે અન્ય ઝેરી હાનિકારક કેમિકલની ભેળસેળ થઇ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે જેને વધું તપાસ માટે FSLમાં મોકલ્યું હોવાનું ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

દુકાનદારે 50થી વધુ લોકોને દવા આપી હતી
નડિયાદ તાલુકાના બિલોદરા ગામે અને મહુધા તાલુકાના બગડુ ગામે મળી કુલ પાંચ વ્યક્તિનાં શંકાસ્પદ મોત મામલે પોલીસે સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. આજ સવારથી જ પોલીસ તેમજ આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સના ધાડેધાડા ગામમાં ઊતરી પૂછપરછ કરી રહી છે. આ અંગે DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, આ ઘટનામાં રેન્જ પોલીસ અને SMC તપાસ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ આયુર્વેદિક દવા એક વ્યક્તિ વેચતો હતો. આ પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. બીજા બે લોકોએ આવી કોઈ દવા લીધી નથી. 50થી વધુ લોકોને દવા આપી હતી બધાની તપાસ કરી છે બધાની તબિયત સારી છે.

આ પણ વાંચોઃ ખેડામાં આયુર્વેદિક સીરપ પીવાથી પાંચના મૃત્યુ થયા હોવાની પોલીસને આશંકા

Back to top button