લોકો પરેશાન : ડીસાના જૂનાડીસા ગામે ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન
- વારંવાર રજુઆત છતાં કોઈ જ ઉકેલ નહીં
- સમસ્યાના કાયમી ઉકેલની ગ્રામજનોની માગ
પાલનપુર : ડીસા-પાટણ હાઈવે પર જુના ડીસા ગામે ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લા પોલીસવડાને રજૂઆત બાદ પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ ન આવતાં ગ્રામજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.
ડીસા-પાટણ હાઈવે પર આવેલા જુના ડીસા ગામે હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફીક સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. જેને લઈને વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ડીસા-પાટણ સ્ટેટ હાઇવે હોઈ નાના અને મોટા વાહનોની અવર જવર રહે છે. જેમાં ખાસ કરીને જુના ડીસા હાઇવે પર મુસાફર વાહનો સવારથી સાંજ સુધી આડેધડ રીતે પાર્કિંગ કરતા રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે. જેથી જુના ડીસા હાઇવે પર અવર જવર કરતાં રાહદારીઓને અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ સમસ્યાથી પીડાતા સ્થાનિકો દ્વારા વારંવાર વહીવટીતંત્ર સમક્ષ મૌખિક રજૂઆત કરાવા છતાં પરિસ્થિતિ જેસે થે જોવા મળી રહી છે. જુના ડીસા ગામનાં પૂર્વ સરપંચ બબાભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમારે જુનાડીસા હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યાને લઈને ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે સરકારી જમીન પર કેબિન ધારકો અને લારી ગલ્લાવાળા દબાણ કરીને બેસી ગયા છે. જેના લીધે રોજબરોજ ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. તાજેતરમાં જિલ્લા પોલીસવડાના લોક દરબારમાં પણ આ સમસ્યા મામલે રજૂઆત કરવામાં આવી હતી. હાઇવે પર પોલીસ પોઈન્ટ મુકવાની પણ માગ કરી હતી, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ જ કાર્યવાહી ન થતા ટ્રાફિકની સમસ્યા જૈસે થે પરિસ્થિતિમાં છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પગલા ભરવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા માર્કેટ યાર્ડમાં 14 દિવસમાં 4.66 લાખ તમાકુ બોરીની થઈ આવક