બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોનો ઉગ્ર વિરોધ, આંદોલનની ચીમકી
- સજ્જડ બંધ પાડી સરકાર નિર્ણય પર ફેર વિચારણા કરે તેવી માંગ કરવામાં આવી
બનાસકાંઠા, 2 જાન્યુઆરી, 2025: ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. આ તાલુકાના લોકોએ બજારો સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઇ દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
રાજ્ય સરકાર દ્વારા વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાઓનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.
લોકો રસ્તા પર ઉતરી આવ્યા
વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવતા કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાના રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા સજજડ બંધ પાડવામાં આવ્યું છે. બીજી તરફ દિયોદરમાં પણ વિરોધના સૂર જોવા મળ્યા છે. ત્યાં પણ વેપારીઓ દ્વારા બંધ પાળીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને લોકો રસ્તા પર ઉતર્યા છે.
ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ધાનેરાના ધારાસભ્ય માવજીભાઇ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે, ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે. ધાનેરાના મોટાભાગના લોકોના ધંધા રોજગાર તેમજ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે ધાનેરાથી પાલનપુર તેમજ અમદાવાદ જવા માટે પણ અનુકૂળ છે.
જ્યારે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે, ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે.
અમારે બનાસકાંઠામાં જ રહેવું છે: ધારાસભ્ય
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય લઈ લીધો છે. કાંકરેજ તાલુકાના રહેવાસીઓની માગણી છે કે તેઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે.
આ પણ જૂઓ: નવી 9 મનપાનો વધારાનો ચાર્જ જિલ્લા કલેકટરને સોંપાયો