દિલ્હીમાં સુપ્રીમના આદેશ ભંગ કરી લોકોએ ફોડ્યા ફટાકડા, AQI ભયજનક સપાટીએ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દિવાળી પર દિલ્હીમાં પુષ્કળ પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેના કારણે હવાની ગુણવત્તા બગડી હતી. ફટાકડાના કારણે દિલ્હીમાં ચારેબાજુ કાળો ધુમાડો છવાયેલો છે. સોમવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 900ને પાર પહોંચ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સવારે 6 વાગ્યાની આસપાસ, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં AQI 910, લાજપત નગરમાં 959 અને કરોલ બાગમાં 779 નોંધાયો હતો.
Air quality across Delhi continues to be in the ‘Poor’ category as per the Central Pollution Control Board (CPCB).
AQI in Anand Vihar at 296, in RK Puram at 290, in Punjabi Bagh at 280 and in ITO at 263 pic.twitter.com/z0GRhqSqgR
— ANI (@ANI) November 13, 2023
7 વર્ષ પછી દિવાળી પર હવા સૌથી સ્વચ્છ હતી
7 વર્ષ પછી દિવાળી પર દિલ્હીમાં હવાની ગુણવત્તા શ્રેષ્ઠ હતી. રવિવારે દિલ્હીમાં AQI 202 નોંધવામાં આવ્યો હતો. અગાઉ 2022માં દિવાળી પર દિલ્હીમાં AQI 312, 2021માં 382, 2020માં 414, 2019માં 337, 2018માં 281, 2017માં 319 અને 2016માં 431 નોંધાયો હતો. દિલ્હીમાં 9 અને 10 નવેમ્બરે થયેલા વરસાદ બાદ પ્રદૂષણમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો. 11-12 નવેમ્બરના રોજ, દિલ્હીમાં AQI 250 કરતા ઓછો હતો. જો કે, ફટાકડાના પ્રદૂષણના કારણે ફરી AQI ભયજનક સપાટીએ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પર ધુમાડો ફરી વળ્યો
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પર્યાવરણવાદી ભવરીન કંધારીએ કહ્યું કે ફટાકડા પર સુપ્રીમ કોર્ટના આદેશ પર ધુમાડો ફરી વળ્યો છે. ચેતવણીઓ અને સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં જવાબદાર અધિકારીઓ ફરી એકવાર નિષ્ફળ ગયા. તેમણે કહ્યું કે, આપણ આમ કરીને બાળકોને ગૂંગળામણભર્યું જીવન આપી રહ્યા છે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે 7 નવેમ્બરે કહ્યું હતું કે બેરિયમ યુક્ત ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો તેનો આદેશ દરેક રાજ્ય માટે ફરજિયાત હશે. કોર્ટનો આ આદેશ સમગ્ર દેશ માટે જારી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પ્રદૂષણ એ રાજકીય મુદ્દો નથીઃ દિલ્હી, પંજાબ અંગે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી