ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં ચોરી કરવા ગયેલા શખ્સનું પેન્ટ ઉતરી ગયું, 90 હજારનો માલ લઈ રફૂચક્કર

Text To Speech

સુરત, 17 જુલાઈ 2024, ગુજરાતમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. રાત્રે પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં દુકાનોમાં ચોરીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચોરી કરવા માટે ગયેલા ચોરનું પેન્ટ ખુલી ગયું પણ તે 90 હજારનો માલ લઈને રફૂચક્કર થવામાં સફળ થયો હતો. વરાછામાં પેટ્રોલિંગની પોલીસની PCR વાન ગયા બાદ બે ચોર દુકાન સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરીને એક શખસ અંદર પ્રવેશ્યો હતો. જ્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો. દુકાનમાં પ્રવેશ કરનાર એક તસ્કરનું પેન્ટ પણ ખુલી ગયું હતું, ત્યારબાદ CCTV હોવાની જાણ થતા તેને કેમેરા નીચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો.

દુકાનમાં રહેલા CCTVને ઊંધા કરી નાખ્યા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વરાછાના અશ્વિનીકુમાર રોડ પર શ્યાની હાઈટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે. જેમાં નીચે અમિતભાઈ સબરસ પાનનો ગલ્લો ચલાવે છે. ગતરાત્રિના એક વાગ્યા આસપાસ બે તસ્કરો પોલીસની નાઈટ પેટ્રોલિંગની PCR વાન ગયા બાદ બે જ મિનિટમાં આ દુકાન સુધી પહોંચ્યા હતા. અડધો કલાક બેસી રહ્યા બાદ તકનો લાભ ઉઠાવી દુકાનનું શટર ઊંચું કર્યું હતું. ત્યારબાદ એક તસ્કર દુકાનની અંદર પ્રવેશ્યો હતો. જેમાં તેનું પેન્ટ પણ ખુલી ગયું હતું. જેથી તેણે અંદર પ્રવેશ્યા બાદ પહેલા પેન્ટની ક્લિપને બંધ કરી હતી. દુકાનમાં CCTV હોવાની જાણ થતા ચહેરા પર રૂમાલ બાંધી દીધો હતો. ત્યારબાદ દુકાનમાં રહેલા CCTVને ઊંધા કરી નાખ્યા હતા.

ચોરી કરીને જ્યાંથી આવ્યા હતા તે તરફ વળ્યાં
દુકાનની અંદર રહેલા 74 હજાર રોકડા અને એક સ્માર્ટ વોચ સહિતનો 90,000નો મુદ્દામાલ ચોરીને બંને તસ્કરો 2 વાગ્યા આસપાસ ભાગી ગયા હતા. અશ્વિનીકુમાર સ્મશાન તરફથી આવીને આ ચોરીને અંજામ આપ્યો હતો, ત્યારબાદ તે ફરી એ તરફ જતા રહ્યા હતા. સવારે 6 વાગ્યે દુકાનના માલિક પહોંચતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી, ત્યારબાદ વરાછા પોલીસને જાણ કરી હતી. હાલ વરાછા પોલીસે CCTV આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં વ્યાજખોરે 2 લાખનું 6.83 લાખ વ્યાજ વસૂલતાં ફરિયાદ, ED અને IT તપાસ કરશે

Back to top button