પેગાસસ: 29 મોબાઈલ ફોનની તપાસ પૂર્ણ, સુપ્રિમ કોર્ટે રિપોર્ટ માટે વધુ સમય આપ્યો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પેગસાસ જાસુસી મામલે તપાસ માટે નિયુક્ત ટેકનિકલ અને ઓબ્ઝર્વર સમિતિઓના રિપોર્ટ સોંપવાની સમયમર્યાદા 4 અઠવાડિયા માટે લંબાવી દીધી છે. ઈઝરાયલી સ્પાયવેર મામલે 29 પ્રભાવિત મોબાઈલ ફોન તથા સાક્ષીઓની તપાસ કરાઈ છે. સીજેઆઈ એન.વી.રમનાના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે, ટેક્નિકલ સમિતિ સ્પાયવેર માટે પ્રભાવિત મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે. તેમાં પત્રકારો સહિત કેટલાક લોકોના નિવેદન પણ નોંધ્યા છે.
પેગાસસ મામલે CJI જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન CJIએ ટેક્નિકલ કમિટીના રિપોર્ટ અંગે જણાવ્યું કે, કમિટીએ અનેક ટેક્નિકલ મુદ્દે તપાસ કરી છે. તપાસ દરમિયાન કમિટીને 29 ઉપકરણો અને કેટલાક પુરાવાની તપાસ અને વધુ પુછપરછ માટે કહેવામાં આવ્યું. આ સાથે જ કેટલીક નિષ્ણાંત એજન્સીઓના મતની રાહ જોવાઈ રહી છે. હવે પીઠે રિટાયર્ડ જસ્ટિસ આરવી રવીંદ્રનની અધ્યક્ષતાવાળી કમિટીને 4 સપ્તાહમાં અંતિમ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે.
ચીફ જસ્ટિસે (CJI) જણાવ્યું કે, ટેક્નિકલ કમિટી મેના અંત સુધીમાં ફાઈનલ રિપોર્ટ તૈયાર કરીને જસ્ટિસ રવીંદ્રનને સોંપશે. ત્યાર બાદ આગામી એક મહિનામાં એટલે કે, 20મી જૂન સુધીમાં જસ્ટિસ રવીંદ્રન પોતાનો ફાઈનલ રિપોર્ટ કોર્ટને સોંપી દેશે અને જુલાઈમાં સુનાવણી થશે.
ભારતમાં 1,400 લોકોની જાસૂસીનો દાવો
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પ્રમાણે તેના દ્વારા વર્ષ 2019માં ભારતમાં જ ઓછામાં ઓછા 1,400 લોકોના પર્સનલ મોબાઈલ કે સિસ્ટમની જાસૂસી થઈ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, 40 પ્રખ્યાત પત્રકારો, વિપક્ષના 3 દિગ્ગજ નેતા, બંધારણીય પદ પર આસીન એક મહાનુભવ, કેન્દ્ર સરકારના 2 મંત્રી, સુરક્ષા એજન્સીઓના અનેક ટોચના ઓફિસર્સ અને અનેક દિગ્ગજ ઉદ્યોગપતિઓનો તેમાં સમાવેશ થાય છે.