બે ટ્રક વચ્ચે ટક્કર થતાં ઘીનાં પેકેટ લેવા રાહદારીઓએ પડાપડી કરી, જૂઓ વીડિયો
ઝાંસી (ઉત્તર પ્રદેશ), 20 ફેબ્રુઆરી: ઝાંસીમાં એક ટ્રકે ઊભેલા કન્ટેનરની ટક્કર મારતા ભીષણ અકસ્માત થયો હતો. ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક ટ્રકમાં બાઇક હતી જ્યારે ઊભેલા કન્ટેનરમાં મધર ડેરીના દેશી ઘીનાં પાઉચનો જથ્થો હતો. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે, ઘીનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો. વિખરેલા જથ્થાને જોતાં જ રાહદારીઓ અને સ્થાનિક લોકોમાં ઘી લેવાની લૂંટફાટ મચી હતી. જો કે, થોડા સમય બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પણ એ પહેલાં ઘીના પાઉચ લૂંટી રહેલા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઘીની લૂંટફાટનો વીડિયો વાયરલ થયો
View this post on Instagram
આ સમગ્ર મામલો ઝાંસીના સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની રોયલ સિટી કોલોની પાસેનો છે. જ્યાં ગઈકાલે બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. એક ટ્રકમાં બાઇક અને બીજી ટ્રકમાં મધર ડેરી કંપનીનું ઘી લોડ કરવામાં આવ્યું હતું. બંને ટ્રકમાં ભરેલા માલસામાનને ઘણું નુકસાન થયું હતું. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓએ મફતનું મેળવવાની વૃત્તિ જાગી હતી. લોકોએ ઘી મેળવવા લૂંટફાટ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક તેમના સ્કૂટરની ડિક્કીમાં તો કેટલાક કોથળા અને પોલીબેગમાં ઘી ભરીને લઈ જઈ રહ્યા છે.
બેફામ આવતી ટ્રકે બીજા ટ્રકને ટક્કર મારી
ઘી ભરેલી ટ્રકના ડ્રાઇવરે જણાવ્યું કે, ફાયનાન્સ કંપનીના લોકોએ ટ્રકને હાઈવે પર રોકી હતી અને ડોક્યુમેન્ટ્સ તપાસી રહ્યા હતા. ટ્રક રોડની બાજુમાં ઊભી હતી ત્યારે પાછળથી બેફામ આવતી ટ્રકે અમારી ટ્રકને ટક્કર મારી. જેના કારણે ઘી ભરેલી ટ્રકનો એક બાજુનો ભાગ તૂટી પડ્યો અને ઘીનાં પાઉચ જમીન પર પડવા લાગ્યાં. કેટલાક પાઉચ ફૂટ્યા અને ઘી રસ્તા પર પાણીની જેમ વહેવા લાગ્યું. જો કે, વેડફાયેલા ઘીની કિંમત લાખો રૂપિયા હોવાનું કહેવાય છે. આ દરમિયાન રાહદારીએ બેફામ રીતે ઘીનાં પાઉચ લૂંટી રહ્યા હતા. આ ટ્રક ચેન્નઈથી દિલ્હી ઘીના જથ્થાને લઈ જઈ રહ્યું હતું. હાલ આ મામલાની તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: VIDEO: જો તમારા પણ આવા તોફાની મિત્રો હોય તો કાયમ સાવધાની રાખજો