રાજ્યભરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન, કાલે મતગણતરી


ગાંધીનગર, 17 ફેબ્રુઆરી : રાજ્યભરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયુ છે. ગઈકાલે 16મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકા, રાજયની અલગ અલગ 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે જનાદેશનો સૂર્યોદય થશે. મતદાનમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ બાબતે એ રહી છે કે રાજયમાં એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. એકપણ સ્થળે પુન: મતદાન કરવાની જરુરીયાત રહી નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણી અંતર્ગત જુનાગઢ મહાપાલિકાની ચુંટણીમાં માત્ર 44.32 ટકા જ મતદાન થયું છે. જયારે અમદાવાદ મહાપાલિકાના વોર્ડ નં. 7ની એક બેઠક, ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.3 ના એક વોર્ડની પેટા ચુંટણી અને સુરત મહાપાલિકાના વોર્ડ નં. 18 ની એક બેઠકની પેટા ચુંટણી માટે સરેરાશ 31.72 ટકા મતદાન થયું હતું.
આ ઉપરાંત 66 નગરપાલિકાની સામાન્ય ચુંંટણી માટે 61.65 ટકા જેવું નોંધપાત્ર મતદાન થયું હતું. જયારે બ નગરપાલિકાની મઘ્યસત્ર ચુંટણી માટે માત્ર 35.23 ટકા મતદાન થયું છે. અલગ અલગ નગરપાલિકાઓમાં પસંગોપાત ખાલી પડેલી 19 બેઠકો માટે 37.85 ટકા જેટલું મતદાન થયું છે. જિલ્લા પંચાયતોની આઠ બેઠકો માટેની પેટા ચુંટણીમાં 43.67 ટકા જેટલું મતદાન થયું છે. જયારે તાલુકા પંચાયતની 76 બેઠકો માટેની પેટા ચુંટણીમાં 57.01 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે કે, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં 64.17 ટકા, ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી માટે 65.30 ટકા અને કઠલાલ તાલુકા પંચાયત માટે 65.07 ટકા મતદાન થયું છે. રાજય ચુંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર મતદાન એકંદરે શાંતિપૂર્ણ સંપન્ન થયું છે કોઇ અનિચ્છીય બનાવ બન્યો નથી. કોઇપણ મતદાન મથક પર પુન: મતદાન કરવાની જરુરત પડી નથી. આવતીકાલે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : અમેરિકાથી મોકલાયેલા 33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયો પરત આવ્યા, 4 અમદાવાદ પહોંચ્યા