ટોલ ટેક્સ ચૂકવવો બનશે સરળ, FASTagને બદલે જલ્દી આવશે અત્યાધુનિક સિસ્ટમ
નવી દિલ્હી, 15 જાન્યુઆરી: કેન્દ્ર સરકાર આવતા મહિના એટલે કે ફેબ્રુઆરીથી દેશના 5 થી 10 હાઈવે પર GPS આધારિત ટોલ કલેક્શનનું ટેસ્ટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ટોલ વસૂલવાની આ પદ્ધતિ વધુ કાર્યક્ષમ અને ઝડપી હશે. એક રિપોર્ટ મુજબ, તેના લૉન્ચ થતા હાલનું ટોલ ફાસ્ટેગ પ્લેટફોર્મ ઈતિહાસ બની જશે. રોડ મિનિસ્ટ્રીના સચિવ અનુરાગ જૈને કહ્યું કે તેને દેશભરમાં લાગુ કરતા પહેલા મર્યાદિત હાઈવે પર તેનું પરીક્ષણ કરવામાં આવશે.
ચાલતા વાહનમાંથી આપમેળે ટોલ કપાશે
હાઇવે ડેવલપર NHAI સેટેલાઇટ આધારિત GPS ટોલ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. જો કે, આ નવી સિસ્ટમને લઈને કેટલીક ચિંતાઓ છે જેના પર ચર્ચા હાથ ધરાશે. નવી સિસ્ટમમાં ટોલ પ્લાઝા પૂરો થતાં જ ચાલતા વાહનમાંથી આપમેળે ટોલ કપાઈ જશે. જીપીએસ આધારિત ટોલિંગમાં વાહનોમાં એક ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાનું રહેશે. જે વાહનને ટ્રેક કરી શકશે. ખાસ વાત એ છે કે, હાઈવેના એક્ઝિટ પોઈન્ટ પર પ્રવાસ કરેલા અંતર પ્રમાણે ટોલ કાપવામાં આવશે.
અંતર પ્રમાણે ટોલ કાપવામાં આવશે
જો કોઈ પેસેન્જર ઓછા અંતરની મુસાફરી કરે છે તો GPS આધારિત ટોલ સિસ્ટમ તેના આધારે ઓછો ચાર્જ લેશે. હાલમાં આવી કોઈ વ્યવસ્થા નથી. હાઇવે પરથી વાહન થોડે દૂર ગયા પછી તરત જ નીકળે તો પણ સંપૂર્ણ ટોલ ચૂકવવો પડે છે. નવી સિસ્ટમ સેન્સર આધારિત હશે. તેથી મુસાફરોને ટોલ ચૂકવવા માટે હાઇવે પર રોકવાની કે રાહ જોવાની જરૂર પડશે નહીં. આ ટોલ સિસ્ટમમાં યુઝર્સે પોતાના વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેને બેંક ખાતા લિન્ક કરવું પડશે.
સિસ્ટમને લઈને હજુ ઘણું કામ બાકી
માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે નેશનલ હાઈવે ફીના નિયમોમાં ફેરફાર કર્યા છે જેમાં યુઝર્સને નેશનલ હાઈવે પરના અંતરના હિસાબે ટોલ કાપવાની સુવિધા મળશે. જો કે, આ બધી બાબતોને અમલમાં મૂકતા પહેલા ઘણું હોમવર્ક કરવાનું છે. અધિકારીએ કહ્યું છે કે આ નવી સિસ્ટમમાં એક બાબત યુઝરની પ્રાઈવસીને લગતી છે. આ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. GPS ટોલિંગ યુઝરના અંગત ડેટાને ટ્રેક કરી શકે છે. હાઇવે પર તેની હિલચાલની ગોપનીયતા એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો કે, તમામ ચકાસણી કર્યા બાદ આ સિસ્ટમને લાગુ કરાશે.
આ પણ વાંચો: અપૂર્ણ KYC સાથેના ફાસ્ટેગ નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરાશે